Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

સોમવારથી રાજયના હજારો મહેસુલી કર્મચારીઓની બેમુદ્દતી હડતાલ

આજે બપોર બાદ ગાંધીનગરમાં મંત્રણા : જો સમાધાન નહીં થાય તો સોમવારથી હજારો અરજદારોના કામો અટકી પડશેઃ કાલની જીપીએસસી પરીક્ષાનો બહિષ્કાર કરતા કલેકટર તંત્ર ઉંધા માથે : સોમવારે કલેકટર કચેરીએ ધરણા-દેખાવો...

રાજકોટ, તા. ૭ : ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મહામંડળ, ગાંધીનગરના પત્રની વિગતે ગુજરાત રાજય મહેસુલી કર્મચારીશ્રીઓના પડતર મુદ્દાઓ ૧ થી ૧૭ ની માંગણીની વિગતે સરકાર તરફથી કોઇ નિકાલ ન આવતા મહામંડળ તરફથી સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનું નક્કી કરાયું છે. આ હડતાલમાં ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મંડળના તા. પ-૧ર-૧૯ના આદેશ મુજબ રાજકોટ જીલ્લામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર તથા કલાર્ક કક્ષાના તમામ મહેસુલી કર્મચારીશ્રીઓ મહામંડળના આદેશાનુસાર સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જશે. ખાસ કરીને જી.પી.એસ.સી.ની પરીક્ષાનો પણ બહિષ્કાર કરેલ છે. તા. ૯-૧ર-૧૯ના રોજ કલેકટર કચેરી, રાજકોટ ખાતે સુત્રોચ્ચાર તથા ધરણા કરવાનું આયોજન કરેલ છે.

આ અંગે પ્રમુખશ્રી કિરીટસિંહ ઝાલા અને અન્યોએ કલેકટરને પણ જાણ કરી દીધી છે અને તમામને હડતાલ ઉપર ઉતરી જવા આદેશો કર્યા છે.

દરમિયાન ગાંધીનગર ખાતે આજે બપોર બાદ સરકાર અને મહેસુલી કર્મચારી મહામંડળ વચ્ચે મંત્રણા થાય તેવી શકયતા છે. તેવી ગતિવિધી શરૂ થઇ છે. પ્રશ્નો સ્વીકારાશે તો હડતાલ ઉકેલાશે નહીં તો સોમવારથી હજારો લોકોના કામો અટકી જશે.

(11:32 am IST)