Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

અમદાવાદ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી :10 BRTS બસ ડિટેઇન : 5 ડ્રાઇવરની ધરપકડ

નો-પાર્કિંગમાં વાહનો મુકતા અને આડેધડ પાર્ક કરતા ડ્રાઇવર સામે લાલઆંખ

અમદાવાદ : અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે ટ્રાફિક પોલીસે કોમર્સ છ રસ્તા પર નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી 10 બીઆરટીએસ બસ ડિટેઇન કરી 5 ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જ્યારે અન્ય 5 ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે 5 બસ અને ગુરૂવારે  5 બસને ડિટેઇન કરવામાં આવી હતી

  . અત્રે ઉલ્લેખનીય છે કે, આડેધડ બસ પાર્ક કરતા ટ્રાફીક પોલીસ દ્વારા બીઆરટીએસ અને એએમટીએસનાં ડ્રાઇવર્સ પર પણ લાલ આંખ કરવામાં આવી છે. 

  ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં શહેરનાં ટ્રાફીકને સુવ્યવસ્થીત કરવા માટે રોજિંદી રીતે અલગ અલગ ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. નો-પાર્કિંગમાં વાહનો મુકતા કે રોડ પર ટ્રાફીકને અવરોધ ઉભા થાય તે પ્રકારે પાર્કિંગ કરતા લોકો સામે છેલ્લા કેટલાક સમયથી ઝુંબેશ ચાલુ કરી છે. પોલીસ હેલ્મેટ વગરનાને દંડ કરવા ઉપરાંત આડેધડ પાર્ક કરાયેલા વાહનોને ટો કરવામાં આવી રહ્યા છે.

  બી ડિવિઝનનાં ટ્રાફીક પી.આઇ કે.ડી નકુમે જણાવ્યું કે, રોડ પર નો પાર્કિંગનું બોર્ડ લગાવાયું હોવા છતા બીઆરટીએસનાં ડ્રાઇવર દ્વારા તેમની શિફ્ટ પુરી થતા બસ જ્યાં ત્યાં પાર્ક કરીને જતા રહ્યા હતા. કેટલાક ડ્રાઇવર જમવા માટે હોટલની નજીક બસ પાર્ક કરીને જતા રહ્યા હતા. આ બસો રોડ પર 1 કલાકથી માંડીને 5 કલાક સુધી પડી રહે છે. અગાઉ પોલીસ દ્વારા તેમને ચેતવણી પણ આપવામાં આવી હતી.

   જો કે ડ્રાઇવર અને અધિકારીઓએ તેને ધ્યાને ન લેતા બસ પાર્કિંગ તે જ સ્થળે કરવામાં આવી હતી. જેના પગલે કોમર્સ ચાર રસ્તા પર પાર્ક કરેલી 5 બસોના ડ્રાઇવર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આમ છતા પણ બુધવારે ફરી ત્યાં બસ પાર્ક થતા ફરી વાર 5 ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધવાની સાથે બસ પણ ડિટેઇન કરવામાં આવી હતી.

(10:41 pm IST)