Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહ્યો : પારો ૧૧.૭ નોંધાયો

રાજ્યમાં સૌથી વધારે ઠંડી કંડલા એરપોર્ટ ખાતે રહીઃ અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ તાપમાન ગગડી ૧૩.૭

અમદાવાદ, તા.૬: અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીના પ્રમાણમાં એકાએક તીવ્ર વધારો થઇ ગયો છે. આજે રાજ્યના કંડલા એરપોર્ટ વિસ્તારમાં પારો ગગડીને ૧૧.૭ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો હતો. સૌથી વધારે ઠંડીનો અનુભવ કંડલા એરપોર્ટ ખાતે થયો હતો. બીજી બાજુ નલિયામાં પારો ૧૨ ડિગ્રી રહ્યો હતો. અમદાવાદમાં પણ ગુરુવારની સરખામણીમાં ઠંડીમાં એકાએક વધારો થયો છે અને પારો ગગડી ગયો છે. અમદાવાદમાં પણ ગઇકાલની સરખામણીમાં લઘુત્તમ તાપમાન ઘટીને ૧૩.૭ ડિગ્રી થયું હતું. વહેલી સવારમાં અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બપોરના ગાળામાં હજુ પણ લોકોને ઓછા પ્રમાણમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આમ હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ  નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે.  મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે.  ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર  નહીં થાય તેમ માનવામાં આવે છે. આજે સવારે પણ ઠંડી નોંધાઇ હતી. જો કે બપોરના ગાળામાં સુર્યપ્રકાશ રહેતા લોકો મિશ્ર સિઝનનો અનુભવ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવે ઠંડીનો અનુભવ થવા લાગી ગયો છે. વિશેષ કરીને સવારમાં વધુ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે નહીં. જો કે, નલિયામાં ગઇકાલની સરખામણીમાં આજે તાપમાનમાં ઉલ્લેખનીયરીતે ઘટ્યો હતો. હજુ નલિયામાં પારો ગગડે તેવા સંકેત છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા વિસ્તારોમાં નિચલી સપાટી ઉપર ઉત્તરીય પૂર્વથી પૂર્વીય પવાનો ફુંકાવાથી તાપમાનમાં નજીવા ફેરફારની સ્થિતિ રહેશે. આજે સવારે અમદાવાદમાં વાતાવરણ ધુમ્મસવાળું રહ્યું હતું અને ઠંડી અનુભવાઈ હતી.

(9:43 pm IST)