Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

આણંદ: ખાણ વિભાગ દ્વારા રેતી ચોરી કરનાર ડમ્પર સાથે બેની અટકાયત

આણંદ:ના ખાણ ખનીજ વિભાગ દ્વારા રોયલ્ટી વગરની રેતી ચોરી કરીને જતા બે ડમ્પરોને ઝડપી પાડીને દંડાત્મક કાર્યવાહી હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લાં કેટલાય સમયથી આણંદ અને ઉમરેઠ તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદીના કાંઠા ગાળાના વિસ્તારોમાંથી રેતી ચોરીનું વ્યવસ્થિત રેકેટ ચાલી રહ્યું છે જેને લઈને ખાણ ખનિજ વિભાગ દ્વારા તપાસ હાથ ઘરવામાં આવતા ગઈકાલે ધોળા દિવસે જિલ્લા સેવા સદન પાસેથી રેતી ભરીને જતા એક ડમ્પરને ઝડપી પાડીને લીઝની તપાસણ કરતા લીઝ વગર ૧૦ ટન રેતી ચોરી કરીને લઈ જવામાં આવતી હતી. જેથી ખાણ ખનિજ વિભાગ દ્વારા તેને જપ્ત કરીને એક લાખ સુધીના દંડની કાર્યવાહી હાથ ઘરી હતી. 
ત્યારબાદ આજે ચીખોદરા ચોકડીથી ગણેશ ચોકડી વચ્ચે ૨૫ ટન જેટલી રેતી ભરેલા ડમ્પરને ઝડપી પાડીને તપાસ કરતાં તે પણ લીઝ વગરની રેતી હોવાનું ખુલવા પામ્યું હતુ. જેથી આ ડમ્પરને પણ જપ્ત કરીને ૨.૫૦ લાખના દંડની કાર્યવાહી હાથ ઘરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી રાજુપુરા ગામેથી પસાર થતી મહીસાગર નદીના કિનારા પરથી દિવસ દરમ્યાન લીઝ વગરની રેતી ચોરી કરીને લઈ જવામાં આવી રહી છે. તંત્ર દ્વારા જો રોડની જગ્યાએ સ્થળ પર જ ઓચિંતા છાપા મારવામાં આવે તો કેટલાય ડમ્પરો અને રેતી કાઢવાના હીટાચી મશીનો સહિત ખનન માફિયાઓ ઝડપાઈ જાય તેમ છે.

(5:28 pm IST)