Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

રેરાઃ ઓનલાઇન - હાર્ડકોપીના દસ્તાવેજોમાં વિસંગતતા ડામવા આજથી નવા નિયમો

ઓનલાઇન મૂકાતા દસ્તાવેજો અને માહિતીની વિગતો હાર્ડકોપીમાં અલગ જોવા મળતા સરકારનો નિર્ણય

અમદાવાદ તા. ૪ : ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી(ગુજરેરા)એ ઓનલાઇન રજિસ્ટ્રેશન અને બિલ્ડર દ્વારા અપાતી હાર્ડકોપીમાં વિસંગતા નાથવા માટે ઇ-ઓફિસ દ્વારા ચકાસણી કરવાનો નિર્ણય લીધો છે. તમામ બાબતો જેવી કે કવેરી, પૂર્તતા કે અન્ય પ્રશ્નોના નિરાકરણ અને ચકાસણી પણ ઓનલાઇન કરવામાં આવશે અને તેનો અમલ આજથી એટલે કે ૬ ડિસેમ્બરથી લાગુ કરવાનો નિર્ણય રેરા ઓથોરિટીએ કર્યો છે. .

આજે જાહેર કરેલા પરિપત્રમાં સચિવે જણાવ્યું છે કે, રેરા હેઠળ રીયલ એસ્ટેટના પ્રોજેકટનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને આ રજિસ્ટ્રેશન અત્યારે ઓનલાઇન કરવામાં આવે છે. જુલાઇ, ૨૦૦૭માં રેરા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારથી પ્રમોટર(બિલ્ડર) દ્વારા પ્રોજેકટ રજિસ્ટ્રેશન માટે કરવામાં આવતા ઓનલાઇન સબમિશન તથા બિલ્ડર દ્વારા રજૂ થતી હાર્ડકોપીની ચકાસણી કરીને રજિસ્ટ્રેશન આપવાની પ્રક્રિયા અમલી છે. આ પરિસ્થિતિમાં બિલ્ડર દ્વારા રેરા પોર્ટલ ઉપર અપલોડ કરેલા ડિજિટલ દસ્તાવેજો અને રેરા દ્વારા રજિસ્ટ્રેશન સમયે હાર્ડ કોપીમાં સ્વીકારેલા દસ્તાવેજો અને માહિતી વચ્ચે વિસંગતતા ઉભી થતી હોય છે. આવા અનેક કિસ્સા જોવા મળ્યા છે.

રેરા દ્વારા પ્રોજેકટ સબંધી માહિતી રેરા પોર્ટલ પર લોકોને માહિતી મળી શકે તે હેતુથી મૂકવામાં આવે છે. અને તેમાં જો આવી ગરબડ થતી હોય તો તે કાયદાની વિરુદ્ઘ છે. એટલું જ નહીં, સામાન્ય નાગરિકો સાથે છેતરપિંડી પણ છે. આ પરિસ્થિતિ ટાળવા માટે આજથી ઇ-ઓફિસનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.(૨૧.૫)

(9:59 am IST)