Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

બુલેટ ટ્રેન : અસરગ્રસ્ત ખેડૂતો સાથે આજે JICAની મિટિંગ

અસરગ્રસ્ત ખેડૂતોને સમજાવવાના પ્રયાસો કરાશે : સુરતમાં અસરગ્રસ્ત ખેડૂતો અને પ્રતિનિધિઓ સાથે જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી ટીમની મંત્રણા થશે

અમદાવાદ, તા. ૬ : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અતિઝડપથી આગળ વધારવામાં આવી રહ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે અસરગ્રસ્ત ખેડૂતો નારાજ દેખાઈ રહ્યા છે. તેમની નારાજગી દૂર કરવાના પ્રયાસો યથાવતરીતે ચાલી રહ્યા છે. આના ભાગરુપે હવે જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સીના અધિકારીઓ ખેડૂતોને મળનાર છે. મળેલી માહિતી મુજબ અસરગ્રસ્ત ખેડૂતોને મળવા માટે આ ટીમના અધિકારીઓ તૈયાર થઇ ચુક્યા છે. સુરતમાં ખેડૂતોના પ્રતિનિધિઓ અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવનાર છે. આ મિટિંગ હવે આવતીકાલે શુક્રવારે અને શનિવારના દિવસે યોજાશે. જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સીની ટીમમાં તેના વડાનો પણ સમાવેશ થાય છે. શુક્રવારના દિવસે આ ટીમ કેટલાક અસરગ્રસ્ત ખેડૂતોના આવાસ ઉપર જશે અને કેટલાક ખેડૂતોને પણ મળશે. પરિસ્થિતિથી ખેડૂતોને વાકેફ કરવામાં આવશે. તેમને સમજાવવાના પ્રયાસ પણ કરવામાં આવશે. શનિવારના દિવસે જાપાની ટીમ જુદા જુદા પ્રોજેક્ટ ગ્રુપના પ્રતિનિધિઓને મળશે જેમાં ખેડૂતો અને જુદા જુદા ગામો અને જિલ્લાઓમાં જમીન માલિકોનો સમાવેશ થાય છે. નિર્ધારિત બેઠકોમાં પર્યાવરણ અને સામાજિક વિચારણા માટે માર્ગદર્શિકા પાળવાના સંદર્ભમાં વાતચીત કરવામાં આવશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવા માટે ઇચ્છુક નથી તેવા આક્ષેપો સપાટી ઉપર આવ્યા બાદ આ હિલચાલ હાથ ધરવામાં આવી છે. પ્રોજેક્ટને લઇને હજુ પણ કેટલાક ખેડૂતો કપાતને લઇને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોના પ્રતિનિધિઓ ઇચ્છી રહ્યા છે કે, ૨૦૧૧ના સરકારી બૂકમાં રહેલા રેટ મુજબ નહીં બલ્કે હાલમાં બજારમાં જે કિંમતો રહેલી છે તે મુજબ વળતર પેકેજની જાહેરાત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ તરીકે આને ગણવામાં આવે છે. આગામી દિવસોમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપર વધુ ઝડપથી કામગીરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો પૈકી હજુ પણ ઘણા ખેડુતો નાખુશ છે.

(8:41 pm IST)