Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

નડિયાદ: છેલ્લા બે વર્ષમાં પોલીસે દારૂના દરોડા પાડી બે કરોડથી પણ વધુનો જથ્થો જપ્ત કર્યો હોવાની માહિતી

નડિયાદ:માં વિદેશી દારુની મહેફીલ કરતાં પૈસાદાર નબીરાઓ સામેના પોલીસ કેસની સહી હજી સુકાઈ નથી ત્યારે જિલ્લાના વિદેશી દારુના દરોડા વિશે વધુ એક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ખેડા જિલ્લામાંથી છેલ્લા બે વર્ષમાં પોણા બે કરોડનો ફક્ત વિદેશી દારુ ઝડપાયો છે.  વિગતો ખુદ રાજ્યના ગૃહમંત્રાલયે ગુજરાત વિધાનસભા સત્રમાં આપી છે. પોલીસતંત્રની લાપરવાહી કહો કે પછી બુટલેગરોની દબંગઈ પણ આંકડો જિલ્લાના પ્રજાજનોને શરમમાં મુકી રહ્યો છે.

ખેડા જિલ્લાના ઠાસરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ પરમારે ૩૦ જૂન ૨૦૧૮ની સ્થિતિએ છેલ્લા બે વર્ષનો વર્ષવાર ખેડા અને ભરૂચ જિલ્લાનો વિદેશી દારુ, બિયર અને દેશી દારુ સહિત ગાંજાનો કેટલો જથ્થો ઝડપાયો છે અને કેટલી કિંમતનો છે તે અંગે વિગતો માંગી હતી. મુખ્યમંત્રી (ગૃહ) પાસે માંગવામાં આવેલી માહિતી અત્યંત ચોંકાવનારી છે.  કારણ કે ફક્ત ખેડા જિલ્લામાંથી જુલાઈ ૨૦૧૬થી ૩૦ જુન ૨૦૧૭ સુધીના એક વર્ષના ગાળામાં વિદેશી દારુની ૪૧ હજારથી વધુ બોટલો ઝડપાઈ છે. જેમાંથી ૨૪૨૩ નંગ બોટલ તો ફક્ત નડિયાદ શહેરમાંથી ઝડપાઈ છે. 

(5:30 pm IST)