Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

અમદાવાદમાં પોલીસે ગાડીને લોક મારી દેતા ભડકેલા વિનોદ રાઠોઠે પોતાની ઓળખ રાણીપ પીઆઇ તરીકે આપીઃ ટ્રાફિક પોલીસને દબાવવાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: પ્રહલાદનગરમાં રહેતા એક એસ્ટેટ બ્રોકરને પોતાની ઓળખ PI તરીકે આપી પોલીસ સામે દમ મારવાનું ભારે પડી ગયું છે. પોલીસે ગાડીને લોક મારી દેતા ભડકેલા વિનોદ રાઠોડ નામના શખ્સે પોતાની ઓળખ રાણીપના પીઆઈ તરીકે આપીને ટ્રાફિક પોલીસને દબાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ભાંડો ફુટી જતાં પોલીસે તેની સામે કેસ દાખલ કર્યો હતો.

આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ રમેશ જીવા પ્રહલાદનગર વિસ્તારમાંથી ગેરકાયદે પાર્ક થયેલા વાહનો હટાવી રહ્યા હતા. તેમણે એક સિડાન કારને લોક મારી દીધું હતું. થોડા સમય પછી ગાડીનો માલિક કોન્સેટબલ પાસે આવ્યો હતો, અને ગાડીને લોક કરવાની હિમત કઈ રીતે થઈ તેવું કહી તેને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

શખ્સે પોતાની ઓળખ રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએચ રાઠોડ તરીકે આપી હતી, અને ગાડીનું લોક ખોલવા જણાવ્યું હતું. પોલીસે જ્યારે તેના માટે 350 રુપિયાનો દંડ ભરવા કહ્યું ત્યારે વિનોદ રાઠોડે દમ મારતા કહ્યું હતું કે, પીઆઈ હોવાના કારણે તે કોઈ દંડ ભરવા બંધાયેલો નથી.

ત્યારબાદ કોન્સ્ટેબલે કંટ્રોલ રુમમાં ફોન કરીને ઘટનાની માહિતી આપી હતી. પોલીસે ત્યારબાદ તપાસ કરતા ખબર પડી હતી કે રાણીપમાં તો વીએચ રાઠોડ નામના કોઈ પીઆઈ છે નહીં. માહિતી મળતા શખ્સ પોલીસ પર રોફ મારવા ખોટી ઓળખ આપી રહ્યો હોવાનું સાબિત થઈ જતાં પોલીસે તેને ધમકાવ્યો હતો. આખરે પોલીસે સખ્તી બતાવતા વિનોદ રાઠોડ ભાંગી પડ્યો હતો, અને પોતાની અસલી ઓળખ આપી હતી.

પોલીસે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, પ્રહલાદનગરના રોયલ ઓર્ચિડમાં રહેતા વિનોદસિંહ હરિસિંહ રાઠોડે દંડ ભરવો પડે તે માટે પોતાની ખોટી ઓળખ આપી પોલીસને દબાવવા પ્રયાસ કર્યો હતો. તેની સામે કલમ 170 અને 186 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આનંદનગર પોલીસે તેને 24 કલાક કસ્ટડીમાં રાખી જામીન પર છોડ્યો હતો.

(5:06 pm IST)