Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

વાયબ્રન્ટ ગુજરાત વેળાએ અમદાવાદ -ગાંધીનગરની હોટલના ભાડા એકસમાન અને વાજબી રાખવા ખાતરી : વિશેષ ડેકોરેશન, લાઈટિંગ તેમજ સ્વાગતની વ્યવસ્થા રખાશે :ખાસ 'વાયબ્રન્ટ થાળી 'પણ પીરસાશે :મુખ્ય સચિવના અધ્ય્ક્ષ સ્થાનને હોટલના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ

અમદાવાદ: વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૯ દરમિયાન અમદાવાદ-ગાંધીનગરની સ્ટાર હોટલોમાં એક સમાન અને વાજબી ભાડા રાખશે તેમ અમદાવાદ-ગાંધીનગર સ્ટાર હોટલ એસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા સરકારને ખાતરી અપાઈ છે .

આગામી જાન્યુઆરી-ર૦૧૯માં ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ યોજાનાર છે. જેમાં દેશ-વિદેશથી આવતા મહાનુભાવોના રોકાણની વ્યવસ્થા અમદાવાદ - ગાંધીનગરની વિવિધ હોટલમાં કરવામાં આવનાર છે. વાયબ્રન્ટ ગુજરાત-ર૦૧૯માં ભાગ લેવા આવનાર મહાનુભાવો માટે અમદાવાદ-ગાંધીનગરમાં આવેલી સ્ટાર હોટલના ભાડા એક સરખા અને વાજબી રહે તેમજ યોગ્ય સહકાર મળી રહે તે માટે બુધવારે ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહની અધ્યક્ષતામાં તમામ હોટલના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજાઇ હતી.

 આ બેઠકમાં તમામ હોટલના પ્રતિનિધિઓ દ્વારા સમિટમાં આવનાર મહાનુભાવોને રહેવા માટે સારી અને ઉત્તમ વ્યવસ્થા એક સરખા અને વાજબી દરે આપવાની ખાતરી રાજ્ય સરકારને આપવામાં આવી હતી.

વાયબ્રન્ટ ગુજરાત-ર૦૧૯ દરમ્યાન મહાનુભાવોના આતિથ્ય માટે શ્રેષ્ઠ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા હોટલો કટિબધ્ધ છે. આ ઉપરાંત, હોટેલોમાં ખાસ વ્યવસ્થાના ભાગરૂપે વિશેષ ડેકોરેશન, લાઈટિંગ તેમજ મહેમાનોના સ્વાગત માટે અલગથી આયોજન કરવામાં આવશે. વાયબ્રન્ટ સમિટ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરનાર મહાનુભાવો માટે હોટેલ દ્વારા ભોજન માટે ગુજરાતી વાનગીઓ સાથેની એક નવીન ''વાયબ્રન્ટ થાળી'' પણ પીરસવામાં આવશે તેમ પણ હોટલ એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું.

હોટેલ એસોસિએશનના અધ્યક્ષ નરેન્દ્ર સોમાણી દ્વારા હોટલ એસોસિએશન વતી સરકારને જણાવાયું હતું કે, અમદાવાદ- ગાંધીનગરમાં આવેલી સ્ટાર હોટલોમાં રહેવા માટે ઉત્તમ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ બેઠકમાં રાજ્ય કર કમિશનર પી. ડી. વાઘેલા, ઉદ્યોગ કમિશનર મમતા વર્માં, મહેસૂલ વિભાગના સચિવ અને કમિશનર હારિત શુક્લા, ઇન્ડેક્ષ્‍ટ-બીના મેનેજિંગ ડાયરેક્ટર રાજકુમાર બેનીવાલ, અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડે, ગાંધીનગર કલેક્ટર એસ.કે. લાંગા, એડીશનલ સી.પી. (સ્પેશિયલ બ્રાન્ચ) વિપુલ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહીને હોટલ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે વાયબ્રન્ટ ગુજરાત-ર૦૧૯ને સફળ બનાવવા માટે વિસ્તૃતમાં ચર્ચા-વિચારણા કરી હતી.

(11:03 am IST)