Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

વિશ્વભરના નિષ્ણાત કુલ ૪૭ સર્જન્સ લાઇવ સર્જરી કરશે

કિડની હોસ્પિટલ ખાતે મેગા કોન્ફરન્સઃ આજે પણ સમાજમાં ૬૫ ટકા મહિલાઓ પોતાની સમસ્યા જણાવી શકતી નથી : સ્ત્રીરોગના પડકારો ઉપર ચર્ચા કરાશે

અમદાવાદ, તા.૭, શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે કિડની હોસ્પિટલ ખાતે આજથી યુરોગાયનેક-૨૦૧૭ ચાર દિવસીય મેગા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઇતિહાસમાં સૌપ્રથમવાર વિશ્વના શ્રેષ્ઠ ૪૭ સર્જન્સ ૬૦ ઓપરેશનો અને લાઇવ સર્જરી કરશે. દેશ-વિદેશથી યુરોગાયનેક ક્ષેત્રના નિષ્ણાત તજજ્ઞો અને સર્જન્સ આ મેગા કોન્ફરન્સમાં ભાગ લેવા આવશે. એફઓજીએસઆઇના વાઇસ પ્રેસીડેન્ટ અને યુરોગાયનેક ઇન્ડિયાના ફાઉન્ડર મેમ્બર ડો.વિનીત મિશ્રા સહિત વિશ્વના પ્રસિધ્ધ ગાયનેકોલોજીસ્ટ સર્જન્સ-તબીબોએ આજે આ મેગા કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે નિષ્ણાત તજજ્ઞોએ જણાવ્યું હતું કે, સ્ત્રીરોગ વિજ્ઞાન સેવામાં નવા પડકારોનો ઉદ્ભવ થયો છે, જેમાં સૌથી મહત્વનું છે સેકસ્યુઅલ ડિસ્ફન્કશન એટલે કે, ફિમેલ સેકસ્યુઅલ ડિસ્ફન્કશન-સ્ત્રીઓમાં ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક અનુભવી શકાતો નથી તે સમસ્યા. આજે પણ સમાજમાં ૬૫ ટકા મહિલાઓ પોતાની સમસ્યા ખુલીને તેના પતિ કે પરિવારને જણાવી શકતી નથી. ચાર દિવસીય આ કોન્ફરન્સમાં સ્ત્રીરોગના નવા પડકારો, યુરોગાયનેકના એડવાન્સમેન્ટ સહિતના વિવિધ વિષયોને આવરી લેવાશે. એફઓજીએસઆઇના વાઇસ પ્રેસીડેન્ટ અને યુરોગાયનેક ઇન્ડિયાના ફાઉન્ડર મેમ્બર ડો.વિનીત મિશ્રા અને આઇકેઆરડીસી(ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર)ના ડિરેકટર પદ્મશ્રી ડો.એચ.એલ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગાયનેક સોસાયટી ઓફ ગાંધીનગર અને એફઓજીએસઆઇના સંયુકત ઉપક્રમે આ ચાર દિવસીય મેગા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા કોન્ફરન્સમાં વિશ્વના સુપ્રસિધ્ધ ગાયનેકોલોજીસ્ટ ડો.અજય રાણે(ઓસ્ટ્રેલિયા), ડો.પ્રકાશ ત્રિવેદી(મુંબઇ), ડો.સાહિબા અખતર(બાંગ્લાદેશ), ડો.સ્ટીફન જેફરી(સાઉથ આફ્રિકા), ડો.જગદીશ ગાંધી(યુકે), ડો.પદમરાજ પંત(નેપાલ), ડો.મોહન ચંદ્રા(નેપાલ), ડો.પીસી મહાપાત્રા (ઓડિસા), ડો.ગ્યાનેન્દ્ર કરકી (નેપાલ), ડો.શૈલેષ પુંતંબેકર (પૂને), ડો.પી.જી.પોલ(કોચીન), ડો.બી રમેશ(બેંગ્લોર), ડો.સંજય પટેલ(અમદાવાદ) સહિતના નિષ્ણાતો એક હજાર જેટલા આમંત્રિત પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરશે, ચર્ચા વિચારણા કરશે અને માર્ગદર્શન-અનુભવની આપ-લે પણ કરશે. યુરોગાયનેકના સ્ટુડન્ટ્સને નિષ્ણાત તજજ્ઞો દ્વારા ખાસ માર્ગદર્શન અને તાલીમ પણ પૂરી પડાશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તા.૭ અને ૮ ડિસેમ્બર દરમ્યાન કિડની હોસ્પિટલ ખાતે ઇતિહાસમાં સૌપ્રથમવાર યુરોગાયનેક કોન્ફરન્સમાં ૪૭ જેટલા વિશ્વભરના સર્જન્સ દ્વારા એકસાથે લાઇવ સર્જરી કરાશે અને ૬૦ જેટલા ઓપરેશન કરવામાં આવશે. જેમાં વિશ્વના શ્રેષ્ઠ સર્જન રોબોટીક્સ, લેપ્રોસ્કોપી અને વર્જીનલી સર્જરી કરીને લાઇવ બતાવશે. જયારે તા.૯ અને ૧૦ ડિસેમ્બર દરમ્યાન સ્ટારોટેલ ખાતે રાષ્ટ્રીય  અને આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી દ્વારા રિસર્ચ પેપર રજૂ કરવાની સાથે સાથે સ્ત્રીના પ્રજનન અંગો, સ્ત્રી રોગ, ફિમેલ સેકસ્યુઅલ ડિસ્ફંકશન સહિતના અનેક વિષયો પર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. યુરોગાયનેક મેગા કોન્ફરન્સમાં સ્ત્રી વિજ્ઞાન અને કોસ્મેટીક સર્જરી વિષય પણ ઘણો અગત્યનો રહેશે.

 

(9:59 pm IST)