Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

શાંતિપૂર્ણ મતદાન માટે ૧.૭૪ લાખથી વધુ સુરક્ષાકર્મી તૈનાત

રાજયમાં ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણઃ ૨૨.૮૯ કરોડના વિદેશીદારૂ સહિતના ૫૦.૭૯ કરોડનો મુદ્દામાલ જ્પ્ત થયો : શ્રેણીબદ્ધ કેસો પણ નોંધવામાં આવ્યા

અમદાવાદ, તા.૭, રાજયમાં બે તબકકામા વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે આ પરિસ્થિતિમાં રાજય ચૂંટણીપંચ દ્વારા બંને તબકકા માટેની તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે.રાજયમાં શાંતિપૂર્ણ રીતે મતદાનની પ્રક્રીયા પુરી થાય એ માટે  ૧.૭૪ લાખથી પણ વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના ફરજના સ્થળે તૈનાત કરવામા આવશે આ સાથે જ ફલાઈંગ સ્કવોર્ડ અને એસએસટી દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાંથી અત્યારસુધીમા કુલ મળીને રૂપિયા ૨૨.૮૯ કરોડની કિંમતનો વિદેશીદારૂ,રૂપિયા ૨૮.૧૬ લાખની કિંમતનો દેશીદારૂ અને અન્ય ચીજો મળીને કુલ રૂપિયા ૫૦.૭૯ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે.કુલ ૫૧,૯૪૮ હથિયારધારકો પાસેથી તેમના હથિયારો જમા લેવામા આવ્યા છે આ ઉપરાંત રાજયના વિવિધ ભાગોમાંથી નશાબંધીના કાયદા હેઠળ કુલ મળીને ૩૧,૩૯૨ જેટલા કેસમાં કાર્યવાહી કરીને ૨૫,૪૯૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે.તો બીજી તરફ ક્રીમીનલ પ્રોસીઝર કોડની વિવિધ કલમો હેઠળ કુલ મળીને ૧,૫૪,૭૯૬ લોકોની સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે.આ અંગેની વિગત એવી છે કે,રાજયમાં પ્રથમ તબકકામા શનિવારે  અને બીજા તબકકામાં ૧૪ મી ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાવા જઈ રહ્યુ છે ત્યારે આ અગાઉ રાજય ચૂંટણી પંચ દ્વારા આ અંગેની તમામ આનુષાંગીક કાર્યવાહી પુરી કરી લેવામાં આવી છે.રાજય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પુરી થાય એ માટે પહેલા તબકકામાં કુલ મળીને ૨,૪૧,૬૭૫ જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ સ્થળે ફરજ ઉપર તૈનાત કરવામા આવશે એમ કહેવામા આવ્યુ છે.આ ઉપરાંત બીજા તબકકામા ૧,૧૬,૪૦૪ કર્મચારીઓ સાથે ૧,૨૫,૨૭૧ કર્મયોગીઓ તેમને સોંપવામા આવેલા ફરજના સ્થળે સુરક્ષા વ્યવસ્થાની કામગીરી સંભાળશે. આમ રાજયમાં કુલ મળીને ૧.૭૪ લાખ સુરક્ષા કર્મીઓ ફરજ બજાવશે.

રાજયમાં આચારસંહિતાનો અમલ ચાલી રહ્યો છે આ સમયે રાજયના વિવિધ વિસ્તારોમાંથી કુલ મળીને રૂપિયા ૨૨.૮૯ કરોડનો વિદેશીદારૂ, રૂપિયા ૨૮.૧૬ લાખનો દેશીદારૂ તેમજ રૂપિયા ૨૭.૬૧ કરોડની કિંમતની અન્યચીજો મળીને કુલ રૂપિયા ૫૦.૭૯ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે.આ સાથે રોકડ રકમ અને સોનુ જપ્ત કરવાના કુલ ૩૭ જેટલા કેસ કરવામાં આવ્યા છે. જેમા મોરબીમાં પાંચ, બનાસકાંઠા, અમદાવાદ, છોટાઉદેપુરમાં ચાર-ચાર, ગાંધીનગર, ખેડા અને નવસારીમાં ત્રણ-ત્રણ, કચ્છ-ભૂજમાં બે-બે તથા દાહોદ, ભાવનગર, જામનગર, આણંદ, અમરેલી પાટણ અને સુરેન્દ્રનગર, તાપી, વલસાડમાં એક-એક કેસનો સમાવેશ થાય છે. રાજયમાં કુલ મળીને ૫૧,૯૪૮ લોકો પાસેથી પરવાનાવાળા હથિયારો જમા કરાવવામા આવ્યા છે.આ સાથે જ નશાબંધી હેઠળ કુલ ૩૧,૩૯૨ કેસમાં કાર્યવાહી કરી ૨૫,૪૯૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ ઉપરાંત વિવિધ ક્રીમીનલ પ્રોસીઝર કોડ હેઠળ ૧,૫૪,૭૯૬ લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે.

૪૦૦૦થી વધારે એસટી બસોની ફાળવણી કરાશે

અમદાવાદ:  રાજયમાં આગામી શનિવારના રોજ પહેલા તબકકાની ૮૯ બેઠકો ઉપર મતદાનપ્રક્રીયા હાથ ધરવામાં આવશે ત્યારબાદ ૧૪ ડિસેમ્બરના રોજ બીજા તબકકાની હાથ ધરવામા આવનારી ચૂંટણી પ્રક્રીયાદરમ્યાન રાજયના મતદાન મથકો સુધી ચૂંટણીને લગતી સામગ્રી અને અન્ય વ્યવસ્થા માટે રાજય માર્ગ અને પરિવહન વિભાગની ૪,૦૦૦ જેટલી એસ.ટી.બસોની ફાળવણી કરવામાં આવી છે.

 

(9:59 pm IST)