Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

કરોડોના જીએસપીસી કાંડમાં તપાસ કરાવવા કોંગ્રેસની માંગ

રણદીપ સૂરજેવાલાના મોદી અને ભાજપ પર પ્રહારોઃ મોદીની ભૂમિકા અને જવાબદારીને લઇને કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા : કૌભાંડની ન્યાયિક તપાસની ઉગ્ર માંગણી

અમદાવાદ,તા.૭, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રણદીપ સૂરજેવાલાએ આજે ફરી એકવાર મોદી સરકાર અને ભાજપ પર પ્રહારો કરી રૂ.૨૦ હજાર કરોડના ચકચારભર્યા જીએસપીસી કૌભાંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમગ્ર કૌભાંડની ન્યાયિક તપાસની માંગણી કરી છે. સૂરજેવાલાએ જીએસપીસી કૌભાંડને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા અને જવાબદારીને લઇને પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આ સમગ્ર કૌભાંડ મામલે દેશની અને ગુજરાતની જનતાને જવાબ આપવા પણ વડાપ્રધાન મોદીને પડકાર ફેંકયો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રણદીપ સૂરજેવાલાએ આજે અમદાવાદમાં જીએસપીસીના રૂ.૨૦ હજાર કરોડના કૌભાંડ મામલે પત્રકારોને જણાવ્યું હતું કે,  સીએજી રિપોર્ટ અને અખબારી સંશોધનમાં જીએસપીસી કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેની સાચી હકીકત એ છે કે, જીએસપીસીમાં ગુજરાત સરકાર અને બેંકોના રૂ.૧૯૫૭૬ કરોડ કેજી બેઝીન ગેસ બ્લોકમાં ડૂબાડી દેવાયા પરંતુ ૧૩ વર્ષમાં ગેસ નીકળયો નહી. જીએસપીસી ૬૪ ગેસ બ્લોક્સની માલિક હતી. જીએસપીસીએ આ ૬૪ ગેસ બ્લોક્સમાં ૪૫ ગેસ બ્લોક્સને સરન્ડર કરી દીધા, જેના કારણે રૂ.૨,૯૯૨.૭૨ કરોડનું નુકસાન થયું. તેમાંથી ૧૧ ઓવરસીઝ ગેસ બ્લોકસ હતા, જેનાથી સરકારી તિજોરીને રૂ.૧૭૫૭.૪૬ કરોડનું નુકસાન થયું. એટલું જ નહી, કોઇપણ પ્રકારના ટેન્ડર વિના જીએસપીસીએ બે જોઇન્ટ વેન્ચર પાર્ટનર બનાવી દીધા. જીએસપીસીએ આ બંને ખાનગી કંપનીઓ તરફથી રૂ.૨૩૧૯.૪૩ કરોડનો ખર્ચો પણ કર્યો, જેની એક ફુટી કોડી પણ આ કંપનીઓએ સરકારને પાછી નથી આપી. રૂ.૨૩૧૯.૪૩ કરોડનું સીધુ નુકસાન સરકારી ખજાનાને થયું. સૂરજેવાલાએ મોદી પર સીધા પ્રહારો કરતાં જણાવ્યું કે, જયારે ગુજરાતના રૂ.૨૦ હજાર કરોડ જીએસપીસીમાં ડૂબી રહ્યા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉર્જિત પટેલને જીએસપીસીના સ્વતંત્ર ડાયરેકટર તેમ જ ઓડિટ કમીટીના ચેરમેન તરીકે નિયુકત કરી દીધા હતા. એ સૌ જાણે છે કે, ત્યારબાદ મોદીજીએ વડાપ્રધાન બન્યા બાદ તેમને આરબીઆઇના ગવર્નર તરીકે નિયુકત કરી દીધા. આ સિવાય જીએસપીસી સાથે જોડાયેલા તમામ અધિકારીઓને ભારત સરકારમાં સર્વોચ્ચ પદો પર બેસાડી દેવાયા. તા.૪-૮-૧૭ના રોજ આર્થિક દ્રષ્ટિકોણથી રૂ.૨૦ હજાર કરોડ ડૂબાડયા બાદ જીએસપીસીના ૮૦ ટકા શેરને ભારત સરકારની ઓએનજીસી દ્વારા રૂ.૭.૭૩૮ કરોડમાં ખરીદી લેવાયા. નોંધનીય વાત એ છે કે, ૨૦૦૫થી આજદિન સુધી જીએસપીસીના કેજી બેઝીન ગેસ બ્લોકમાંથી કોઇ ગેસ મળ્યો નથી.તો પણ ઓએનજીસીએ તેને કેમ ખરીદી? સૂરજેવાલાએ ગંભીર સવાલ ઉઠાવ્યો હતો કે, ગુજરાત સરકારના રૂ.૨૦ હજાર કરોડ ડૂબાડી હવે જીએસપીસીને ભારત સરકારની ઓએનજીસીના માથે કેમ ઝીંકાઇ રહી છે? શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત તેમ જ દેશની જનતાને આ સવાલોના જવાબો આપશે. રણદીપ સૂરજેવાલાએ જીએસપીસીના સમગ્ર કૌભાંડમાં મોદીની ભૂમિકા તપાસવાની પણ માંગ કરી હતી.     

 

(12:09 am IST)