Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

૮૨૨ ઉમેદવાર પૈકીના ૧૦૧ ઉમેદવારો સામે ફોજદારી કેસ

ગુજરાત ઇલેકશન વોચ-એડીઆરના વિશ્લેષણમાં તારણો જારી : બીજા તબક્કાની ૯૩ બેઠકો પૈકીની ૧૨ બેઠકો રેડએલર્ટ કે જયાં ત્રણ કે તેથી વધુ ઉમેદવારો સામે ફોજદારી ગુનાઓ : ૧૯૯ ઉમેદવાર કરોડપતિ : રિપોર્ટ

અમદાવાદ,તા.૭ :       ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ગુજરાત ઇલેકશન વોચ અને એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ(એડીઆર) દ્વારા બીજા તબક્કાની ૯૩ વિધાનસભા બેઠકો માટે ઉભા રહેલા ઉમેદવારોના ૮૫૧ સોગંદનામાંમાંથી ૮૨૨ નું ખૂબ જ મહત્વપૂર્ણ વિશ્લેષણ અને અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. ૨૯ ઉમેદવારોના સોંગદનામાં સરખી રીતે સ્કેન નહી થયા હોઇ વંચાતા ન હોઇ તેનું વિશ્લેષણ કરાયું ન હતું. ગુજરાત ઇલેકશન વોચ અને એડીઆરના વિશ્લેષણમાં ચોંકાવનારા અને રસપ્રદ તારણો સામે આવ્યા હતા, જે મુજબ, કુલ ૮૨૨ ઉમેદવારોમાંથી ૧૦૧ એટલે કે, ૧૨ ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસો દાખલ થયેલા છે તે તેઓએ તેમના સોંગદનામામાં સ્વીકાર્યું છે. આ ૧૦૧માંથી ૬૪ ઉમેદવારો એટલે કે, આઠ ટકા ઉમેદવારો સામે ખૂન, ખૂનની કોશિશ, અપહરણ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે એમ અત્રે ગુજરાત ઇલેકશન વોચ અને એડીઆરના હેડ મેજર જનરલ અનિલ વર્મા(નિવૃત્ત) અને કો-ઓર્ડિનેટર પંકિત જોગે જણાવ્યું હતું.

         તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બીજા તબક્કાના વિશ્લેષણમાં કુલ ૮૨૨ ઉમેદવારોમાંથી ૧૯૯ ઉમેદવારો એટલે કે, ૨૪ ટકા તો કરોડપતિ છે. ૮૨૨ ઉમેદવારોમાંથી ૮ ટકા એટલે કે, ૬૬ ઉમેદવારો તો પાંચ કરોડથી પણ વધુની આવક ધરાવે છે, જયારે ૮ ટકા ઉમેદવારો એટલે કે, ૬૪ ઉમેદવારો બેથી પાંચ કરોડની આવક ધરાવે છે. જયારે ૨૧ ટકા ઉમેદવારો એટલે કે, ૧૭૧ ટકા ઉમેદવારો રૂ.૫૦ લાખથી રૂ.૨ કરોડની આવક ધરાવે છે. બીજા તબક્કામાં ચૂંટણી  લડતા ઉમેદવારોની સરેરાશ મિલકત રૂ.૨.૩૯ કરોડ છે. જયારે માત્ર ૪ ઉમેદવારોએ પોતાની મિલકત ઝીરો દર્શાવી છે. ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાના કુલ ૯૩ વિધાનસભા મતવિસ્તારો પૈકી ૧૨ એટલે કે, ૧૩ ટકા વિધાનસભા મતક્ષેત્રો રેડ એલર્ડ મતવિસ્તારો છે કે, જેમાં ત્રણ કે તેથી વધુ ઉમેદવારોની સામે ફોજદારી ગુનાઓ દાખલ થયેલા છે. ગુજરાત ઇલેકશન વોચ અને એડીઆરના હેડ મેજર જનરલ અનિલ વર્મા(નિવૃત્ત) અને કો-ઓર્ડિનેટર પંકિત જોગે એ મુદ્દે ખાસ ધ્યાન દોર્યું હતું કે, ૮૨૨ ઉમેદવારો પૈકી ૧૦૯ ઉમેદવારો એટલે કે, ૧૩ ટકા લોકોએ તેમના પાન કાર્ડ નબંરની વિગતો જાહેર કરી નથી. જયારે પાંચ ઉમેદવારોએ ઇન્કમટેક્સ રિટર્નમાં તેમની વાર્ષિક આવક રૂ.એક કરોડથી વધુ જાહેર કરી છે. તો, ૮૨૨ ઉમેદવારોમાંથી ૪૧૫ ઉમેદવારો એટલે કે, ૫૦ ટકા ઉમેદવારોએ પોતાના સોગંદનામામાં ઇન્કમટેક્ષની વિગતો જાહેર કરી નથી. તેમણે ઉમેર્યું હતું કે, વિધાનસભા ચૂંટણી દરમ્યાન ઘણા ઉમેદવારો દ્વારા તેમના ઉમેદવારીપત્રમાં કોલમ રાખવામાં આવે છે, ઇન્કમટેક્ષ, પાનકાર્ડ, આવક સહિતની વિગતો જાહેર કરાતી નથી અથવા તો અધૂરી માહિતી અપાય છે તો અંગે સ્ક્રુટીની સમયે જરૂરી પગલાં લેવાની ચૂંટણી પંચને સત્તા છે કે ઉમેદવારનું ફોર્મ રદ કરી શકે. એટલું જ નહી, જાહેરજનતા અથવા તો નાગરિકોની પણ જે તે ઉમેદવારોની માહિતી કે હકીકત જાણતા હોય તો ચૂંટણી પંચનું ધ્યાન દોરી સોંગદનામામાં લખેલી વિગતો ખોટી અથવા તો ભૂલભરેલી હોય તો ચૂંટણી પંચનું ધ્યાન દોરવાની ફરજ છે.

 

(8:41 pm IST)