Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

લૂંટેરી દુલ્હનથી સાવધાન: કલોલમાં બે દિવસ પતિના ઘરે રહી 28 હજાર રોકડા લઇ દુલ્હન ફરાર

કલોલ: શહેરમાં પૈસાના વ્યવહારથી લવાયેલી લૂટેરી દુલ્હન ફક્ત બે દિવસ પતિના ઘરે રહી ૨૮ હજારની રોકડ અને સોનાની ચેઇન લઇ ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે. બે શખ્સોએ ૮૫ હજાર રોકડા લઇ યુવકના લગ્ન કરી આપ્યા હતા. શહેર પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૃ કરી છે.
કલોલમાં હાઇવે રોડ પર આવેલા ફલેટમાં રહેતો યુવક ડ્રાઇવીંગ કરે છે. ડ્રાઇવીંગ કરતો હોવાથી તેનો પરીચય ધેધુના જશીબેન ગાભાજી ઠાકોર સાથે થયો હતો. યુવક તેના પિતા અને ભાઇ સાથે રહે છે. ત્યારે જશીબેને તેને વિશ્વાસમાં લઇ પૈસાના વ્યવહારથી યુવતી સાથે લગ્ન કરી આપવાની વાત કરી હતી. જશીબેને યુવકને વસ્ત્રાલ ખાતે રબારીકોલોની મહાદેવનગરના ટેકરા ખાતે રહેતા રાજેન્દ્ર કાંતિલાલ પરમારનો પરીચય કરાવી આપ્યો હતો.
ત્યારબાદ જશીબેન અને રાજેન્દ્રએ યુવક પાસેથી ૮૫૦૦૦ રોકડ લઇ મહાદેવ ટેકરા ખાતે રહેતી પાયલ પ્રહલાદભાઇ દરબાર સાથે યુવકના લગ્ન કરીવ્પ્યા હતા. લગ્ન બાદ ફક્ત બે દિવસ દિવસ જ પાયલ પતિના ઘરે રહી હતી અને ત્યારબાદ ઘરમાંથી ૨૮૦૦૦ની રોકડ અને સોનાની ચેઇન લઇ ભાગી છુટી હતી. આખરે યુવકને છેતરાયાનો અહેસાસ થતા તેણે કલોલ શહેર પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે જશીબેન, રાજેન્દ્ર પરમાર અને પાયલ દરબાર સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે. ઉલ્લેખનીય છે કે પૈસાના મોટા વ્યવહારથી લગ્ન કરાવી આપતા શખ્સો છેતરપીંડીનું રેકેટ ચલાવતા હોય છે.
હજારો રૃપિયા આપી લવાયેલી લૂંટેરી દુલ્હનો ઘરમાંથી હાથ સાફ કરી ભાગી ગઇ હોવાના પણ નોંધપાત્ર બનાવો બની ચુક્યા છે. તેમ છતાં યુવકો આવા ઠગોના વિશ્વાસમાં આવી જઇ છેતરપીંડીનો ભોગ બનતાં હોય છે.

 

(5:41 pm IST)