Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

અમદાવાદમાં નકલી દારૂ વેચવાનું કૌભાંડ પીસીબીની ટીમે ઝડપી એકની ધરપકડ કરી

અમદાવાદ:શાહપુર કૂવાવાડાની પોળમાં મોંઘાદાટ દારૂની ખાલી બોટલ લાવી તેમાં પાણી ભેળવી નકલી દારૂ વેચવાનું કૌભાંડ અમદાવાદ પીસીબીની ટીમે ઝડપી પાડ્યું છે. પોલીસે આરોપી પાસેથી મોંઘીદાટ દારૂની બોટલ અને ખાલી બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે.

આરોપી રાજસ્થાનથી દારૂની બોટલ લાવી ઘરે જ ભેળસેળ કરી હોમ ડિલિવરી કરતો હતો. વિધાનસભાની ચૂંટણીના બે દિવસ બાકી છે ચૂંટણી જાહેર થતાંની સાથે જ રાજ્યમાં ચાલતી દારૂની હેરાફેરી પર પોલીસે બાજ નજર ગોઠવી હતી. વિવિધ શહેરો અને વિસ્તારોમાંથી કરોડો રૂપિયાનો દારૂ પોલીસે ઝડપ્યો છે.

ઇન્ચાર્જ પીસીબી એસીપી એમ.કે રાણાની ટીમે બાતમીના આધારે દરોડો પાડી હરીશ શોભારામ ગોહિલ (વાળંદ)ની ધરપકડ કરી હતી. પોલીસે ઘરમાં દરોડો પાડતા સિવાસ રિગલ, એબ્સ્યુલેટ વોડકા, બ્લેન્ડર સ્પ્રાઇટ, સુલા વાઈન, બકાર્ડી, મેજિક મોમેન્ટ જેવા મોંઘીદાટ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

ઉપરાંત પોલીસને રોયલ સ્ટેગ જેવો દારૂ, ગરણી અને મોંઘાં દારૂની ૨૫ જેટલી ખાલી બોટલ મળી આવી હતી. આરોપી આ ખાલી બોટલમાં સિવાસ રિગલ, એબ્સ્યુલેટ વોડકા, બ્લેન્ડર સ્પ્રાઇટ જેવા દારૂનું થોડું પ્રમાણ અને રોયલ સ્ટેગ તેમજ પાણી મિક્સ કરી અને નકલી દારૂ બનાવતો હતો. આરોપી હરીશની પૂછપરછ કરતાં રાજસ્થાનનાં રામસિંગ ગામેથી દુકાનદાર પાસેથી આ દારૂનો જથ્થો ભરીને લાવ્યો હતો.

 

(5:38 pm IST)