Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

કોઇ પ્રભાવક મુદ્દો ન હોવાથી ઉત્સવાહવર્ધક મતદાન થવા સામે પ્રશ્નાર્થ

ર૦૧રમાં પ્રથમ ચરણમાં ૭૦.૭પ ટકા અને બીજા ચરણમાં ૭૧.૮પ ટકા મતદાન થયેલ : સાવ ઓછા અથવા ખૂબ વધુ મતદાનની પરિણામ પર સીધી અસર : ફાયદાવાળા વિસ્તારોમાં વધુ મતદાન કરાવવા રાજકીય પક્ષોના પ્રયાસો

રાજકોટ, તા. ૭ : વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન આડે એક દિવસ બાકી રહ્યો છે. શનિવારે સવારે ૮થી સાંજે પ વાગ્યા સુધી રાજયની ૮૯ બેઠકો માટે મતદાન થશે. બીજા ચરણની ૯૩ બેઠકો માટે તા. ૧૪મીએ મતદાન થનાર છે. આજે પ્રથમ ચરણનો જાહેર પ્રચાર બંધ થઇ રહ્યો છે ત્યાં સુધીમાં કોઇ મુદ્દો બરાબર પકડાયેલો દેખાતો નથી. એટલે મતદાન કેટલા પ્રમાણમાં થશે ? તે સવાલ ઉઠી રહ્યો છે. લોકોમાં ઉત્સાહનો અભાવ દેખાય છે. પ્રચાર વખતે ઠંડા રહેલા મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવામાં રાજકીય પક્ષો અને ઉમેદવારોની કસોટી થઇ જશે. મતદાનના દિવસે કુદરતી વાતાવરણ પણ મતદાન પર અસર કરશે.

વર્ષ ર૦૧રની ધારાસભાની ચૂંટણીમાં પ્રથમ ચરણમાં ૭૦.૭પ ટકા અને બીજા ચરણમાં ૭૧.૮પ ટકા (સરેરાશ ૭૧ ટકા) મતદાન થયેલ તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો પ્રભાવ હતો તે વખતનું ભાજપ તરફી મતદાન મોદીને વડાપ્રધાન બનાવવા માટેનું મહત્વનું પગલુ ગણાતુ હતું. આ વખતે મોદી વડાપ્રધાન બની ગયા છે. ગુજરાતમાં જેના નામે રાજયવ્યાપી મત મળે તેવો ચહેરો ભાજપ કે કોંગ્રેસ પાસે દેખાતો નથી.

કોઇ મુદ્દા આધારીત જુવાળ હોય ત્યારે મતદાનનું પ્રમાણ ઉંચુ જતુ હોય છે. ચૂંટણી પંચે મતદાર જાગૃતિ માટે ઘણા પ્રયાસો કર્યા છે છતાં અપેક્ષા મુજબ મતદાનની ટકાવારી થશે કે નહિ ? તે મોટો પ્રશ્ન છે. મતદાન ઓછુ થવાની શકયતા ડોકાઇ રહી છે. આ વખતે કોઇના તરફી કે વિરોધી દેખીતો જુવાળ નથી જો અંડર કરંટ નીકળે તો મતદાનનું પ્રમાણ ઉંચુ જઇ શકે છે. મતદાનની ઓછી ટકાવારી કે વધારે ટકાવારીની પરિણામ પર સીધી અસર પડે છે. રાજકીય પક્ષો અને ઉમેદવારોએ પોતાને ફાયદાવાળા ગણાતા ક્ષેત્રમાંથી મહત્તમ મતદાન થાય તેવા છેલ્લી કલાકોના પ્રયાસો હાથ ધર્યા છે.

(3:45 pm IST)