Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

પ્રથમ ચરણમાં ર.૧ર કરોડ મતદારોઃ ચૂંટણી પંચ ૯૩ લાખ SMS કરશે

ર.૪૧ લાખ કર્મચારીઓ ચૂંટણી ફરજ પરઃ દિવ્યાંગો માટે મતદાનની ખાસ વ્યવસ્થાઃ ૧૮ર બેઠકો માટે ૧રર૮ ઉમેદવારો

 ગાંધીનગર તા. ૭ :.. પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે તા.૯ ડીસેમ્બરના રોજ મતદાન યોજાશે. આ મતદાન માટે ૧૪,૧પપ સ્થળો ઉપર ર૪,૬૮૯ મતદાન મથકો તૈયાર કરાયા છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કુલ ર,૧ર,પ૩૧,૬પર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારોમાં ૧,૧૧,૦પ,૯૩૩ પુરૂષ મતદારો, ૧,૦૧,રપ,૪૭ર મહિલા મતદારો  અને ર૪૭ થર્ડ જેન્ડારનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં કુલ ૪,૩પ,ર૮,પ૧૯ મતદારો નોંધાયેલા છે.

પ્રથમ તબકકાની કેટલીક બેઠકો ઉપર ૧૬ કે ૧૬ થી વધુ ઉમેદવારો હોવાથી અલગ  સાઇઝની મતદાન કૂટિરનો  ઉપયોગ કરાશે. રાજયમાં માંડવી (કચ્છ) વઢવાણ, ધોરાજી, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, ખંભાળીયા, બોટાદ અને લીંબાયત એમ કુલ આઠ  વિધાનસભા બેઠકોના ર૧૬૯ મતદાન મથકો  ઉપર ર૪, ૩૬, ૩૦ ઇંચની સાઇઝની મતકુટિરનો ઉપયોગ કરાશે. જયારે બાકીના રર,પર૦ મતદાન મથકો ઉપર ર૪, ર૪,૩૦ ઇંચની સાઇઝની મતકૂટિરનો ઉપયોગ કરવામાં આવશે.

તે જ પ્રમાણે બીજા તબકકામાં ૧૬-રાધનપુર, ૩૯ -વિરમગામ, ૪૩ વટવા, ૪૯ બાપુનગર અને પ૯ ધંધુકા એમ કુલ પાંચ વિધાનસભા મત વિભાગોમાં ઉમેદવારોની સંખ્યા ૧૬ થી ૧૬ થી વધુ છે. તેથી  તે મતવિભાગોના ૧૪૭ર મતદાન મથકો પર ર૪'૩૬'૩૦' (ઇંચ)ની સાઇઝની સાઇઝની મતકુટિરનો ઉપયોગ કરાશે. જયારે ર૩,૮૪૭ મતદાન મથકો પર ર૪ ર૪'૩૦' (ઇંચ)ની સાઇઝની મતકુટિરનો ઉપયોગ કરવામાં આવશે.

બીજા તબક્કાની ૯૩ બેઠકો પર તા. ૧૪ ડીસેમ્બરના રોજ યોજાનાર મતદાન માટે ૧,૧પ,૪૭,૪૩પ પુરૂષ મતદારો, ૧,૦૭,૪૮,૯૭૭ મહિલા મતદારો અને ૪પપ થર્ડ જેન્ડર મતદારો નોંધાયેલા છે. આ મુલ ર,રર,૯૬,૮૬૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાના મતદાન માટે ૧૪,પર૩ મતદાન સ્થળો પરના રપ,પ૭પ મતદાન મથકો સવારે આઠ વાગ્યાથી મતદાન યોજાશે.

૯૩ બેઠકો માટે કુલ ૮પ૧

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષો દ્વારા ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યા હતા. જેમાંથી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાયા બાદ હવે ૮પ૧ ઉમેદવારો ચૂંટણી લડશે.

જેમાં રાષ્ટ્રીય પક્ષોમાં ભારતીય જનતા પાટીના ૯૩, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના-૯૧, રાષ્ટ્રીય વાદી કોંગ્રેસ પાર્ટીના ર૮, બહુજન સમાજ પાર્ટીના ૭પ, કોમ્યુનિસ્ટે પાર્ટી ઓફ ઇન્ડીયાના -૦૧ તેમજ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડીયા (માર્કસિસ્ટા)ના ૩ આમ કુલ ર૯૧ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

જયારે અન્ય રાજયોમાં નોંધાયેલ સ્ટેશટ પાર્ટીઓમાં આમ આદમી પાર્ટીના ૮, જનતા દળ(યુ)ના ૧૪, જનતા દળ(એસ)ના ૧, શિવસેનાના ૧૭ કુલ-૪૦ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

આ સિવાય બિન માન્યસતા પ્રાપ્ત નોંધાયેલા રાજકીય પાર્ટીના ૧૭૦ અને અપક્ષના ૩પ૦ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છેક ે બીજા તબક્કાનું મતદાન તા. ૧૪-૧ર-ર૦૧૭ના રોજ યોજાશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કુલ ૧૪ જિલ્લામાં આવેલા મતવિસ્તારોનો સમાવેશ થાય છે.

૭૬ લાખ મતદાન સંકલ્પપત્રો

નૈતિક મતદાન, નોટાના ઉપયોગની જાણકારી તથા ઇવીએમ-વીવીપેટ વિષેની વિસ્તૃત સમજણ માટે સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવેલ છે. જે બાળક તેની શાળાએથી ઘરે લઇ જાય તથા સંકલ્પ પત્ર પર તેમના વાલીની સહી કરીને શાળામાં પરત કરે, ઇવીએમ-વીવીપેટ વિષેની વિસ્તૃત સમજણ આપતી બાબતો વાલી તેમની પાસે રાખી લે, તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. આ અંતર્ગત ૮૦ લાખ સંકલ્પ પત્રનું વિતરણ કરવામાં આવેલ હતું. જે પૈકી ૭૬ લાખ સંકલ્પ પત્રો વાલીની સહી સાથે પરત મળેલ છે. આમ, સંકલ્પ પત્ર દ્વારા રાજયના મોટાભાગના કુટુંબોમાં નૈતિક મતદાન, નોટાના ઉપયોગની જાણકારી તથા ઇવીએમ-વીવીપેટ વિષેની વિસ્તૃત સમજણ પહોંચાડવામાં આવેલ છે.

૯૩ લાખ બલ્ક મેસેજથી અપીલ

ચૂંટણીની તારીખ તથા મતદાનના સમયની લોકોને જાણકારી મળી રહે તે માટે પ્રીન્ટમીડીયા તથા ઇલેકટ્રોનિક મીડીયા મારફત સઘન પ્રયાસો કરવામાં આવેલ છે. આ ઉપરાંત મતદાર યાદીમાં નોંધાયેલ મતદારો પૈકી ૯૩ લાખ મતદારોના મોબાઇલ નંબર ચૂંટણી પંચ પાસે ઉપલબ્ધ છે, આ તમામ મતદારોનેચૂંટણીની તારીખ તથા મતદાનના સમય તથા નૈતિક મતદાન કરવા માટે જાગૃત કરવાના હેતુથી બન્ને  તબક્કામાં મતદાનના આગલા દિવસ એસએમએસ દ્વારા જાગૃત કરવામાં આવનાર છે. આમ, ૯૩ લાખ મતદારોને તેમના નોંધાયેલા મો. નં. પર આ અંગેનો મેસેજ મોકલવામાં આવશે. આ મેસેજ દ્વારા રાજયના દરેક મતદારને ચૂંટણીની તારીખ તથા મતદાનના સમયની જાણકારી મળી રહેશે. 

(4:20 pm IST)