Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

પત્નીને ન મારવાની લેખિત પ્રતિજ્ઞા લઇ હાઇકોર્ટે પતિ સામેની ફરિયાદ રદ્દ કરી

હત્યાના પ્રયાસ સહિતની ધારા હેઠળની ફરિયાદ કર્યા બાદ પત્નીએ સમાધાન થયાનું સોગંદનામું કર્યું: ગંભીર પ્રકારનો ગુનો હોવાથી હાઇકોર્ટે અનિચ્છાએ સમાધાનનો સ્વીકા કરી ફરિયાદ રદ્દ કરી

અમદાવાદ તા. ૭ : પત્નીને મરણતોલ માર મારીને ગંભીર ઇજા પહોંચાડવાના ગુનાની પોલીસ ફરિયાદ રદ કરાવવા પતિએ હાઇકોર્ટમાં રિટ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે,'પતિ-પત્ની વચ્ચે સમાધાન થઇ ગયું હોવાથી ફરિયાદ રદ કરવામાં આવે. તેણે કરેલા કૃત્યુનું તેને દુઃખ છે અને ભવિષ્યમાં કયારેય આવી વર્તણુંક કરશે નહીં.' જો કે, હત્યાના પ્રયાસનો અત્યંત ગંભીર ગુનો હોવાથી હાઇકોર્ટે અનિચ્છાએ સમાધાનનો સ્વીકાર કરી ફરિયાદ રદ કરી હતી. જેમાં એવો આદેશ કર્યો હતો કે,'પતિએ લેખિતમાં પ્રતિજ્ઞા લખીને બાહેંધરી આપવાની રહેશે કે તે ભવિષ્યમાં પત્ની સાથે કયારેય આવું કૃત્યુ નહીં કરે અને કુટુંબની કાળજી રાખશે.' આ ખાતરીને રેકોર્ડ પર મૂકવાનું નોંધી હાઇકોર્ટે ફરિયાદ રદ કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે પતિ નાસિર સામે હત્યાના પ્રયાસ સહિતની ધારા હેઠળ ખુદ તેની પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નાસિરને ત્રણ બાળકો છે અને તે ઓટો રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. ચોથી સપ્ટેમ્બરના રોજ કોઇ બાબતે તકરાર થતાં તેણે પત્નીને માર મારીને ચપ્પૂથી તેના પર હુમલો પણ કર્યો હતો. તેથી તેની પત્નીએ ફરિયાદ કરી હતી. જેને રદ કરવા નાસિરે હાઇકોર્ટમાં કવોશિંગ પિટિશન કરી હતી.

આ પિટિશનની સુનાવણી દરમિયાન પત્ની તરફથી કોર્ટમાં એવું જણાવવામાં આવ્યું હતું કે,'બાર વર્ષના લગ્નજીવનમાં પહેલીવાર આવી ઘટના બની છે. તેના પતિએ ક્રોધમાં તેને માર મારીને ઇજા પહોંચાડી હતી. જો કે, હવે તેના પતિને સમગ્ર ઘટનાનો ખેદ અને દુઃખ છે. તેથી આ પોલીસ ફરિયાદને રદ કરવામાં આવે. જો તેના પતિની ધરપકડ થશે તો તેમનું કુટુંબ વેરવિખેર થઇ જશે. ઘરમાં તે એકમાત્ર કમાનાર વ્યકિત છે. તેમને ત્રણ નાના બાળકો છે અને તેઓ સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા છે.'

જો કે એક તબક્કે સરકાર તરફથી આ સમાધાનને સ્વીકારવાનો વિરોધ કરાયો હતો. કેમ કે હત્યાના પ્રયાસનો આ ગંભીર ગુનો છે. પરંતુ સાથે જ સરકારનો એવો મત પણ રજૂ કર્યો હતો કે પત્નીની રજૂઆત અને નાના બાળકોનું ભવિષ્ય ધ્યાનમાં રાખીએ તો આ કેસ અસામાન્ય જણાય છે અને તેથી સમાધાનનો સ્વીકાર કરવો જોઇએ. આ કેસમાં પત્ની તરફથી સોગંદનામું પણ કરવામાં આવ્યું હતું. જેમાં પત્નીએ ફરિયાદ રદ કરવા કોઇ પણ પ્રકારનું દબાણ નહીં હોવાનું જણાવ્યું હતું. સાથે જ ફરિયાદ રદ ના થાય તો વધુ હાલાકી અને ક્ષોભમાં મૂકાવું પડે એમ પણ જણાવ્યું હતું. આ સંજોગોમાં હાઇકોર્ટે પતિ-પત્ની વચ્ચેના સમાધાનને અનિચ્છાએ ગ્રાહ્ય કરતા ફરિયાદ રદ કરી હતી.

(12:06 pm IST)