Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

પુત્રની સગાઇ માટે રાખેલા છ લાખ રોકડા લઇને ફરાર

જૂનાગઢનું દંપતિ અમદાવાદ આવ્યું ત્યારે લૂંટ : તસ્કરોએ અગાશીના દરવાજાના નકુચા તોડી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો, સમગ્ર ઘટનામાં જાણભેદુ હોવાની આશંકા

અમદાવાદ, તા.૭ : જૂનાગઢમાં રહેતું એક દંપતિ અમદાવાદ શહેરમાં સામાજિક કામે આવ્યા બાદ પરત ફરતાં પુત્રની સગાઇ માટે ઘરમાં રાખી મૂકેલ રૂ. છ લાખ રોકડા અને ૧૨ તોલા સોનું ચોરી તસ્કરો ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ દંપતિ અમદાવાદથી જૂનાગઢ તેમના ઘેર પરત ફર્યું ત્યારે તસ્કરોએ તેમના ઘરમાં ચોરી કરી હોવાની ખબર પડતાં પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.  જૂનાગઢ શહેરના નવા નાગરવાડા શેરીનં.૨માં હરસિદ્ધી કૃપા નામના મકાનમાં રહેતા દિપકભાઇ કારીયા પોતાની પત્નીને લઇને તાજેતરમાં જ અમદાવાદ ગયા હતા. અમદાવાદથી પરત ફરતા તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તિજોરીમાંથી રૂ. ૬ લાખ રોકડા અને ૧૦થી ૧૨ તોલા સોનાની ચોરી કરી હાથ સાફ કરી નાસી જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

                પોલીસની પ્રાથમિક તપાસમાં દિપકભાઇએ પોતાના પુત્રની સગાઇ હોઇ તેના આયોજનના ભાગરૂપે સોનુ અને રોકડ રકમ રાખી હતી. જો કે, તસ્કરો તે ચોરી ફરાર થઇ જતાં દિપકભાઇ અને તેમની પત્ની પર જાણે આભ તૂટી પડયુ હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, તસ્કરો અગાશીના દરવાજાના નકુચા તોડી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. કબાટમાં સોનાના દાગીના અને રોકડ રકમ હતા તેને જ નિશાન બનાવતા જાણભેદુ હોવાની શંકા વ્યક્ત થઇ રહી છે. ઘટનાની જાણ થતા ડીવાયએસપી પ્રદિપસિંહ સહિત પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી દિપકભાઇનું નિવેદન લઇ ગુનો દાખલ કરી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

(8:10 pm IST)