Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ખેડા પોલીસે પીજમાં દરોડા પાડી 10.42 લાખનો વિદેશી દારૂનો જથ્થો રંગે હાથે ઝડપ્યો

ખેડા: પોલીસે પીજ સીમમાં થઈ રહેલા વિદેશી દારૂના કટીંગ વખતે જ છાપો મારીને ૧૦.૪૨ લાખની કિંમતનો વિદશી દારૂનો જથ્થો ઝડપી પાડીને કુલ ૧૯.૭૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. 

એલસીબી ખેડા પોલીસ વસોની હદમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમ્યાન મહિતી મળેલ કે પીજ સીમમાં આવેલ ગોરધનભાઈ ગેલાભાઈ ગોહિલના ખેતરમાં ઈકબાલ ઉર્ફે મુન્નો બચુખાન પઠાણ (રે. ટુંડેલ રેલવે ફાટક પાસે) અને તેના માણસો બહારથી આઈશરમાં વિદેશી દારૂ મંગાવી દારૂનું કટીંગ કરે છે. જેના આધારે પોલીસે પીજ સીમમા છાપો મારતાં ઈકબાલ ઉર્ફે મુન્નો પઠાણ તથા તેના સાગરિતો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હરતા. પોલીસે તપાસ કરતા સ્થળ પરથી વિદેશી દારૂની ૫૭૨૮ બોટલ કે જેની કિંમત રૂા. ૧૦,૪૨,૩૬૦ થવા જાય છે તે મળી આવ્યો હતો. પોલીસે પ્લાસ્ટિકના દાણાની ૮૮ થેલી ૮૮૦૦૦ તથા ૮ લાખનો આઈશર ટેમ્પો, એક્ટિવા તથા મોટર સાયકલ મળી કુલ રૂા. ૧૯,૭૦,૩૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

પોલીસે ફરાર થઈ ગયેલા ઈકબાલ ઉર્ફે મુન્નો બચુખાન પઠાણ, જનકભાઈ ગોરધનભાઈ ગોહેલ (રે. ટુંડેલ) તથા આઈશરનો ડ્રાઈવર તેમજ અન્ય ઈસમો સામે વસો પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરાવીને તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:54 pm IST)