Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ઓલપાડ તાલુકાના સાયનથી પીઆઇની 34 લાખના દારૂના જથ્થા સાથે ધરપકડ: બે ટેમ્પા ઝડપાયા

ઓલપાડ: તાલુકાના સાયણ ગામે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રૂ. ૩૪.૫૧ લાખના વિદેશી દારૂ ભરેલું ગોડાઉન અને બંધ બોડીના બે ટેમ્પા ઝડપી પાડવાના ગુનામાં ઓલપાડ પીઆઈને સસ્પેન્ડ કરી દઈ સાયણ આઉટપોસ્ટના જમાદારની ડાંગ જિલ્લામાં બદલીનો હુકમ કરતા દિવાળીના તહેવારમાં જિલ્લા પોલીસ ગમગીન બની ગઈ છે.

ગત શનિવારે સાંજે ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ એ.એસ.ચાવડાએ પોતાની ટીમ સાથે ચોક્કસ બાતમી આધારે સાયણ ગામે છાપો માર્યો હતો. પોલીસે બંધ ગોડાઉનમાંથી રૂ. ૨૫,૯૨,૯૦૦ ના વિદેશી દારૂની ૧૧૬૩૦ બોટલ અને બંધ બોડીને બે ઉભેલા ટેમ્પામાંથી રૂ. ૮,૫૮,૧૫૦ નો વિદેશી દારૂની ૫૮૮૪ બોટલ કબ્જે કરી હતી. પોલીસે બોડેલીના બાબુ મારવાડી, નવાપુરના પંકજ સોનવણે, કમલેશ મારવાડી અને સાયણના વિજય પટેલને વોન્ટેડ જાહેર કર્યા હતા.

સ્ટેટ મોનીટરીંગ સેલની રેડના મામલે રાજ્ય પોલીસ વડાને સ્પેશીયલ રીપોર્ટ કર્યા બાદ આજે ઓલપાડ પી.આઈ. કે.ડી.રાઠોડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી ઘલુડી હેડ કવાટર મુકવામાં આવ્યા છે. અને ઓલપાડનો ચાર્જ સુરત સીપીઆઈ ડી.એન.કાંટને સોંપવામાં આવ્યો છે. જ્યારે એક વર્ષથી સાયણ આઉટ પોસ્ટ પર ફરજ બજાવતા જમાદાર દીલીપ મોહનભાઈની ડાંગ જિલ્લામાં બદલી કરી છૂટા કરી દેવામાં આવ્યા છે. બંને હુકમની સુરત ડીવાયએસપી સી.એમ.જાડેજાએ બજવણી કરી દીધી છે.દિવાળીના તહેવારમાં સ્ટેટ મોનીટરીંગ સેલના સુરત જિલ્લામાં સપાટા બાદ પીઆઈ કે.ડી.રાઠોડને સસ્પેન્ડ કરાતા જિલ્લા પોલીસમાં ગમગીની છવાઈ ગઈ છે.

(5:44 pm IST)