Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

દિવાળી પર્વ પર રાજયભરના મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

દેવી-દેવતાઓના વિશેષ શણગાર અને અન્નકુટ : વહેલી સવારથી મંદિરોમાં શ્રધ્ધાળુ ભકતોની દર્શન માટે પડાપડી : તીર્થસ્થાનો-યાત્રાધામોમાં જડબેસલાક સુરક્ષા

અમદાવાદ,તા. ૭ : દિવાળીના શુભ અને પવિત્ર પર્વને લઇ આજે શહેર સહિત રાજયભરના મંદિરોમાં વહેલી સવારથી જ શ્રધ્ધાળુ ભકતોએ દેવી-દેવતાઓના દર્શન માટે પડાપડી કરી હતી. દિવાળીના તહેવારને લઇ રાજયભરના મંદિરોમાં ખાસ કરીને અંબાજી, ડાકોર, દ્વારકા, સાળંગપુર કષ્ટભંજન દેવ, સોમનાથ મહાદેવ, પાવાગઢ, ચોટીલા, વીરપુર, બગદાણા બજરંગદાસ બાપા, નાગેશ્વર મહાદેવ સહિતના યાત્રાધામોમાં દેવી-દેવતાઓના વિશેષ સાજ-શણગાર કરવામાં આવ્યા છે. દિવાળીના તહેવાર નિમિતે આજે વિવિધ મંદિરોમાં દેવી-દેવતાઓના અન્નકુટ અને યજ્ઞ-પૂજનનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. લાખો શ્રધ્ધાળુ ભકતોએ આજે દિવાળીના તહેવારે દેવદર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. દિવાળીના પર્વને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના વિવિધ મંદિરો ઝળહળતી રોશની અને ડેકોરેટીવ રંગેબરંગી લાઇટીંગ અને અનેક આકર્ષણોથી શોભાયમાન અને ઝળહળી ઉઠયા હતા. અમદાવાદ શહેર સહિત રાજયભરના મંદિરોમાં આજે દિવાળીનો તહેવાર હોઇ ભકતોની ભારે ભીડ જામી હતી. મંદિર સત્તાવાળાઓ તરફથી પણ તહેવારમાં ભકતોના દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે, તેમછતાં ભીડભાડ અને ધક્કામુક્કીના દ્રશ્યો સામાન્ય બન્યા હતા. શહેરના કેમ્પ હનુમાનજી, સોલા ભાગવત વિધાપીઠ, ભાડજ હરેકૃષ્ણ મંદિર, એસજી હાઇવે પર ઇસ્કોન મંદિર, લાલદરવાજા ભદ્રકાળી મંદિર, ભુલાભાઇ પાર્ક બહુચરાજી મંદિર, ધનાસુથારની પોળના પ્રાચીન અંબાજી મંદિર, થલતેજ સાંઇબાબા મંદિર,રામમંદિર, પંચમુખી હનુમાન, શનિદેવ મંદિર, અંજની માતા અને સંકટમોચન હનુમાનજી મંદિર સહિતના મંદિરોમાં વહેલી સવારથી જ ભકતો દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા. તો, રાજયના ડાકોર રણછોડરાય, શામળાજી ખાતે શામળિયા દેવના મંદિર, દ્વારકા દ્વારકાધીશ, સાળંગપુર કષ્ટભંજન દેવ, ગણપતિપુરાવાળા ગણપતિ મંદિર, સુપ્રસિધ્ધ અંબાજી, સોમનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ, ચોટીલા ચામુંડા માતાજી, પાવાગઢ ખાતે મહાકાળી મંદિર, ગાંધીનગર જિલ્લાના ડભોડિયા હનુમાનજી દાદા, વીરપુર, બગદાણા બજરંગદાસ બાપા સહિતના મંદિરોમાં દેવી-દેવતાઓના વિશેષ સાજ-શણગાર કરવામાં આવ્યા હતા. આ યાત્રાધામોમાં ઝળહળતી રોશની સહિતની લાઇટો અને અન્ય આકર્ષણો પણ જમાવવામાં આવ્યા હતા. લાખો શ્રધ્ધાળુ આ યાત્રાધામોમાં દર્શનાર્થે ઉમટયા હતા. પ્રભુની પ્રસાદી માટે પણ ભકતોએ પડાપડી કરી હતી. શહેર સહિત રાજયભરમાં દિવાળીના તહેવારને લઇ મંદિરની બહાર બેઠેલા ફુલ-હાર અને પૂજાપાવાળાઓને તો ભારે તડાકો પડી ગયો હતો. તો આઇબી ઇનપુટ્સ અને સુરક્ષાના કારણોસર રાજયના મહત્વના તીર્થસ્થાનો અને યાત્રાધામો-મંદિરો ખાતે લોખંડી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરાઇ હતી. સુરક્ષા જવાનોને દિવાળીના તહેવારોમાં સુરક્ષાને લઇ ખાસ સ્ટેન્ટ ટુ રખાયા છે.

(5:21 pm IST)