Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્સ આવક ૩૦ ટકા સુધી વધી

કોર્પોરેશન સત્તાધીશોની દિવાળી આખરે સુધરી : કયુઆર કોડ, ઓનલાઇન પેમેન્ટ, ડિજિટલ પેમેન્ટ કેમ્પના પ્રયાસો આખરે સફળ પુરવાર : કોર્પોરેશનને થયેલી રાહત

અમદાવાદ,તા. ૭ : મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા આવકના એકમાત્ર સ્રોત સમાન પ્રોપર્ટીટેક્સ પ્રત્યે છેલ્લા કેટલાક સમયથી વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. પ્રોપર્ટીટેક્સના બિલમાં ક્યુઆર કોડ છપાયા છે તેમજ ઓનલાઈન પેમેન્ટ કરનાર કરદાતાને ખાસ બે ટકા રિબેટ અપાઈ રહ્યું છે. અમ્યુકોના અસરકારક પ્રયાસના કારણે આ વખતે પ્રોપર્ટી ટેક્સની આવક ૩૦ ટકા સુધી વધવા પામતાં તંત્રમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ટેક્સ વિભાગ દ્વારા મોટી કોમર્શિયલ મિલકતો માટે વિશેષ ડિજિટલ પેમેન્ટ કેમ્પ યોજાઈ રહ્યા છે, જેના કારણે પ્રોપર્ટીટેક્સની આવકમાં ગત નાણાકીય વર્ષની તુલનામાં ૩૦ ટકા જેટલી ઉલ્લેખનીય વૃદ્ધિ નોંધાઈ છે. ગત નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સમાં કુલ રૂ. ૮૦૫.૫૪ કરોડની આવક થઈ હતી, જ્યારે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં તંત્ર દ્વારા પ્રોપર્ટીટેક્સની આવકમાં રૂ. ૯૬૩ કરોડનો લક્ષ્યાંક રખાયો છે. ગત નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં તા. ૧ એપ્રિલ, ૨૦૧૭થી તા. ૨ નવેમ્બર, ૨૦૧૭ સુધીમાં ટેક્સ વિભાગને રૂ. ૪૪૫.૦૮ કરોડની આવક થઈ હતી. જ્યારે આટલા જ સમયગાળામાં તંત્રે આ વખતે રૂ. ૫૮૦.૧૨ કરોડની આવક મેળવી છે, જે આવકમાં ૩૦ ટકાથી વધારેની વૃદ્ધિ દર્શાવે છે. ઝોનદીઠ અત્યાર સુધીની આવકની વિગત તપાસતાં જૂના નવા પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ રૂ. ૧૮૭.૧૧ કરોડ, પશ્ચિમ ઝોનમાંથી રૂ. ૧૭૮.૦૪ કરૌડ, મધ્ય ઝોનમાંથી રૂ. ૮૪.૯૦ કરોડ, દક્ષિણ ઝોનમાંથી રૂ. ૫૩,૪૬ કરોડ, ઉત્તર ઝોનમાંથી રૂ. ૪૭.૫૦ કરોડ અને પૂર્વ ઝોનમાંથી સૌથી ઓછી રૂ. ૨૯.૧૧ કરોડની આવક નોંધાઈ છે. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે અમ્યુકો સત્તાધીશોને પ્રોપર્ટી ટેકસની ૩૦ ટકા વધુ આવક થતાં તંત્રએ ખુશીની લાગણી વ્યકત કરી હતી.

(5:14 pm IST)