Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

અમદાવાદને કર્ણાવતી કરવા માટે કાયદાકીય અડચણો છે જે દુર કરવા પક્ષ પ્રયાસ કરે છેઃ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ

અમદાવાદ/ગાંધીનગરઃ મંગળવારે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કરી નાખતા ગુજરાતમાં પણ ભાજપની પાછલા 3 દાયકાથી અમદાવાદનું કર્ણાવતી કરવાની પડતર માગણીએ ફરી ચર્ચાનું જોર પકડ્યું છે. આ અંગે ખુદ ડે. સીએમ નીતિન પટેલે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, ‘ગુજરાત સરકાર આ તકે યૂપીના મુખ્યમંત્રી અને રાજ્ય ભાજપ એકમને અભિનંદન પાઠવે છે કે તેમણે લોક લાગણીને ધ્યાને રાખી ફૈઝાબાદ જેવા નવા નામને બદલીને આખરે સદીઓ જૂનું અયોધ્યા નામ કરી નાખ્યું.

તેમણે વધુમાં કહ્યું કે, ‘ગુજરાત અને અમદાવાદના પણ ઘણા લોકો વર્ષોથી ઇચ્છી રહ્યા છે કે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી ફરીવાર કરવામાં આવે. જોકે આ માટે કેટલીક કાયદાકીય અડચણો છે. જેને દૂર કરવા માટે પક્ષ પ્રયાસ કરી રહ્યો છે આ માટે વિધાનસભામાં કાયદો બનાવવા જોઇતો નંબર્સનો ટેકો મળી રહેશે તો તમે જરુર આ પગલું ભરીશું. ભવિષ્યમાં જ્યારે પણ સમય યોગ્ય હશે ત્યારે અમે શહેરનું નામ બદલી નાખીશું.

ડે.સીએમ પટેલે કહ્યું કે, ‘ભલે અમદાવાનું કાયદાકીય રીતે કર્ણાવતી ન કરવામાં આવ્યું હોય તેમ છતા આ નામ લોકોના જીભ અને દિલમાં વસેલું છે. રાજ્યના ઘણાખરા લોકોના મોઢે અમદાવાદ માટે કર્ણાવતી નામ ખૂબ સામાન્ય છે.જોકે આ માટે સરકાર નજીકના ભવિષ્યમાં કોઈ પ્રપોઝલ લાવશે કે નહીં તે અંગે જવાબ દેવાનું તેમણે ટાળી દીધું હતું. ઉલ્લેખનીય છે કે ગત માર્ચ મહિનામાં પણ કર્ણાવતી નામ કરવા અંગે ચર્ચાએ જોર પકડ્યુ હતું.

જે દરમિયાન મુખ્યમંત્રી રુપાણીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર અમદાવાદનું નામ બદલી કર્ણાવતી કરવા માટે કાયદાકીય રીતે આગળ વધશે. આ માટે વિધાનસભામાં અમારી પાસે 2/3 મેજોરિટી જોઈએ જે હાલ નથી પણ તેમ છતા આટલી મેજોરિટી માટે અમે કામ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં તેનું પરિણામ જરુર જોવા મળશે.

(3:31 pm IST)