Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ભૌતિક સંપત્તિ ગમે તેટલી ભેગી થયા પણ જો સમજણ ન હોય તો તે સમૃદ્ધિ ક્યારેય

સુખ આપી શકતી નથી: શા.માધવપ્રિયદાસજી સ્વામી મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ચોપડા પૂજન-લક્ષ્મીપૂજન અને અન્નકૂટોત્સવ યોજાયો

Photo : SGVP fodler dt. 7-11

અમદાવાદ તા. ૭ દિવાળીના સપરમા દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે પૂ. શા. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં વહેલી સવારે શુભ ચોઘડીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે ચોપડા પૂજન તથા લક્ષ્મી પૂજન કરાયું હતું જેેમાં ૫૦૦ ઉપરાંત ભાવિકોએ પોતાના ચોપડાનું પૂજન કર્યું હતું.

  ત્યારબાદ ૧૫૧ વાનગીઓનો અન્નકૂટ ધરાવી ઠાકોરજીની માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ આરતી ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા.

 આ પ્રસંગે શા.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે, ભારતીય સંસ્કૃતિ ઉત્સવ પ્રધાન છે. ભારતીય દરેક ઉત્સવો પાછળ આગવો ઇતિહાસ હોય છે. સમસ્ત આસો માસ ઉત્સવોથી ભરેલો છે. ધનતેરસ એ ધેનુપૂજન, ધનવન્તરી પૂજન અને ધન શુદ્ધિનું પર્વે છે.

    રાવણનો સંહાર કરી ભગવાન રામચંદ્રજી અયોધ્યા પધારતા તેમના સ્વાગત માટે અયોધ્યા વાસીઓએ આજ દિવસે દિપમાળા પુરી સ્વાગત કરેલ.

    નરક ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણે નરકાસુરનો સંહાર કર્યો હતો અને સોળ હજાર કન્યાઓના જીવનમાં જ્યોત જગાવી હતી પરિણામે દિપાવલીનું પર્વ સર્જાયુ હતું.

    દિપાવલીનું પર્વ એટલે અંધકાર ઉપર પ્રકાશનું પર્વ, દિપ એ જ્ઞાનનું પ્રતિક છે. માણસ સત્તા, સંપત્તિ અને સાધનોથી નહીં પણ જ્ઞાનથી મહાન બની શકે છે.

    ભૌતિક સંપત્તિ ગમે તેટલી ભેગી થાય પણ જો સમજણ ન હોય તો તે સમૃદ્ધિ ક્યારેય સુખ આપતી નથી. સંપત્તિ સાથે સરસ્વતીનો સંગમ થાય તો સોનામાં સુગંધ ભળે. સંપત્તિ અને સરસ્વતીના સંગમથી મનુષ્ય પોતાના જીવનમાં શ્રેષ્ઠતમ લક્ષને સિદ્ધ કરી શકે છે.

 જો લક્ષ્મીનો ઉપયોગ કલહ અને કંકાસ, સ્વાર્થ  અને બીજાને પરેશાન કરવા માટે થાય તો તે લક્ષ્મી ઉલૂકવાહિની છે અને એજ લક્ષ્મીનો ઉપયોગ દીન દરિદ્રો અને અબોલ પ્રાણીઓના કલ્યાણ માટે થાય તો તે લક્ષ્મી ગરુડગામિની છે.

(12:24 pm IST)