Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

કોંગ્રેસના અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે ગુજરાતમાં : ગાંધી આશ્રમમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતાંજલી અર્પિત કરી

કાર્યકરોને વચન આપ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસની ઉદેપુર ચિંતન શિબિરમાં લેવાયેલ નિર્ણયોનું પાલન કરાવશે:પક્ષમાં 50 વર્ષથી ઓછી ઉંમરના કાર્યકરો માટે 50 ટકા અનામત લાવશે

અમદાવાદ :બે દાયકા બાદ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ માટે ચૂંટણી યોજાઈ રહી છે. અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે ગુજરાત પહોંચ્યા હતા. ગાંધી આશ્રમમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતાંજલી અર્પિત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસના હોદ્દેદારો પાસે ખડગેએ સમર્થન માંગ્યું. સાથે જ કાર્યકરોને વચન આપ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ તેઓ કોંગ્રેસની ઉદેપુર ચિંતન શિબિરમાં લેવાયેલ નિર્ણયોનું પાલન કરાવશે તેમજ પક્ષમાં 50 વર્ષથી ઓછી ઉંમરના કાર્યકરો માટે 50 ટકા અનામત લાવશે. .

કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર અને સાંસદ મલ્લિકાઅર્જુન ખડગે સમર્થન માટે અમદાવાદ પહોંચ્યા હતા. મલ્લિકાઅર્જુન ખડગેએ સૌ પ્રથમ સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા. ત્યારબાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના હોદ્દેદારો સાથે મલ્લિકાઅર્જુન ખડગેએ મુલાકાત કરી પોતાને મત આપવા વિનંતી કરી હતી. ગુજરાત કોંગ્રેસના 409 મતદારોને સંબોધતા ખડગેએ કેટલીક ખાતરી અને સલાહ પણ આપી. ઉદેપુર ચિંતન શિબિરમાં લેવાયેલ નિર્ણયોનું પાલન કરવાનું ખડગેએ વચન આપ્યું તો ‘હું નહીં પરંતુ આપણે’ ની ભાવનાથી કામ કરવાની ખડગે એ સલાહ આપી છે.

પત્રકાર પરિષદ સંબોધતા ખડગેએ જણાવ્યું કે અમારો ચૂંટણી પ્રચાર અમે અમદાવાદથી શરુ કર્યો છે. અમદાવાદથી પ્રચાર એટલા માટે શરૂ કર્યો કેમકે આ ગાંધી અને સરદારની કર્મભૂમિ છે. સાથે જ ભાજપનું નામ લીધા વગર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અમે લોકશાહીનું માન કરીએ છીએ. પહેલા ભાજપના બે જ લોકો પાર્લામેન્ટમાં હતા. અત્યારે જીતેલા લોકો ડેમોક્રેસી છોડી એટોક્રેસી ચલાવી રહ્યા છે. પોતે ચૂંટણી લડવા ઈચ્છતા ન હતા તેવી સ્પષ્ટતા કરતાં ખડગેએ કહ્યું કે, હું મારી ઈચ્છાથી આ ચૂંટણી નથી લડતો. મને મોટા નેતાઓએ ચૂંટણી લડવા મજબૂર કર્યો. સૌ નેતા અને કાર્યકરોએ મળી પક્ષની લડાઈ લડવા કહ્યું. 50થી ઓછી ઉમેરવામાં લોકોને 50 ટકા સંગઠન અને શાસનમાં લાવીશ. જે રાજ્યોમાં ચૂંટણી થઈ રહી છે ત્યાં નેતાઓને સાથે રાખવાની કોશિશ કરીશ. હું અમારા પક્ષની વિચારધારાને બુલંદ કરવા માટે ચૂંટણી લડી રહ્યો હોવાનું પણ ખડગે એ જણાવ્યું હતું

(9:16 pm IST)