Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ગુજરાતની ગોલ્ડ મેડાલીસ્ટ માના પટેલે રાત્રે તાવની સારવાર લીધી :સવારે સ્વિમિંગમાં નેશનલ રેકોર્ડ સર્જ્યો: બે ગોલ્ડ જીત્યા

તબિયત ખરાબ થઈ ગયાના બીજા જ દિવસે માના પટેલે આજે ઉત્તમ રમત દાખવી ભલભલા તરણવીરોને પાછળ છોડી દીધા

ગુજરાતમાં હાલ નેશનલ ગેમ્સ રમાઈ રહી છે. જેમાં રાજકોટમાં સ્વિમિંગ અને હોકીની રમતોમાં દેશભરનાં ખેલાડીઓ પોતાનું કૌવત બતાવી રહ્યા છે. આ દરમિયાન ગોલ્ડ મેડલની સૌથી વધુ જેના ઉપર અપેક્ષા હતી તે જાદૂઈ સ્વિમર માના પટેલે બે ગોલ્ડ મેડલ જીતી લીધા છે. જોકે ગત સાંજે તેની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આમ છતાં તેણીએ સવારે સ્વિમિંગની સ્પર્ધામાં રેકોર્ડ સર્જ્યો હતો.

જાણવા મળતી વિગતો પ્રમાણે માના પટેલને ગત સાંજે જ શરીરમાં નબળાઈ અને ઈન્ફેક્શન જણાતાં તેણીને તાત્કાલિક ગોકુલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. અહીં ડૉ.સુનિલ લાલવાણી દ્વારા પ્રાથમિક તપાસ કર્યા બાદ વધુ ગંભીરતા નહીં જણાતાં તેને દવા સહિતની સારવાર આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ માના પોતાના રહેઠાણ પર પહોંચી હતી અને આરામ કર્યા બાદ આજે સવારે સુધારો જણાતાં તે પુલમાં ઉતરી હતી અને તેણે આજે સવારે વિમેન્સ 50 મીટર બેકસ્ટ્રોક હિટસને 29.91 સેકન્ડમાં પૂર્ણ કરીને એક નવો નેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.

આમ પોતાની તબિયત ખરાબ થઈ ગયાના બીજા જ દિવસે માના પટેલે આજે ઉત્તમ રમત દાખવી ભલભલા તરણવીરોને પાછળ છોડી દીધા હતા. આ અંગે તેણીએ જણાવ્યું હતું કે, પડકારભરી પરિસ્થિતિમાં શરીર કેવું પ્રદર્શન કરે છે તે જોવાની મજા અલગ જ છે. અને જો સારું પ્રદર્શન થાય તો લાગે છે કે તમે વિચારો છો તેના કરતાં તમે વધુ મજબૂત છો. અન્ય રમતવીરોને તેણીએ ક્યારેય હિંમત નહીં હારવાની સલાહ આપી હતી. સાથે જ સંજોગો સાથે કામ કરતા શીખવા અપીલ કરી હતી.

(8:24 pm IST)