Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ભારે ઉદ્યોગ ક્ષેત્રના વિભિન્ન પ્રકલ્પ અને પ્રયાસોથી ભારતમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ સાકાર થઇ રહી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

ઓટોમોબાઇલ્સના મેન્યુફેક્ચરીંગ હબ તરીકે ઓળખાતાં ગુજરાતમાં યોજાયેલી પરિષદને “રાઇટ જોબ એન્ડ રાઇટ પ્લેસ” જણાવતાં મુખ્યમંત્રી:વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત વૈશ્વિક ઉત્પાદન હબ તરીકે ઉભરી રહ્યું છે: કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે:ગુજરાત સહિત કર્ણાટકમાં ૧૭૫ જેટલી ઇલેક્ટ્રિક બસોનું મંત્રીઓ-મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી ફરકાવી કરાવાયેલું પ્રસ્થાન : મુખ્યમંત્રી ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી પ્રસ્થાન વિધિમાં જોડાયાં

અમદાવાદ :કેન્દ્રીય ભારી ઉદ્યોગ મંત્રાલયના મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે અને રાજ્ય મંત્રી ક્રિષ્ણપાલ ગુર્જર, ભારી ઉદ્યોગ મંત્રાલયના સચિવશ્રી અરૂણ ગોયલ સહિત વરિષ્ઠ કેન્દ્રીય સચિવઓ, ઉદ્યોગ ક્ષેત્રની વિવિધ પ્રતિભાઓ અને વિવિધ ઉદ્યોગના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્થળ એકતાનગર (કેવડીયા), ટેન્ટસીટી-૨ ખાતે આજે કેન્દ્રીય ભારી ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઇન્ડસ્ટ્રી-૪.૦ વિષય પર યોજાયેલી પરિષદ ખૂલ્લી મુકાઇ હતી.

 ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ ગાંધીનગર ખાતેથી આ પરિષદમાં વર્ચ્યુઅલી જોડાઇને તેમાં સહભાગી બન્યાં હતાં. ભારે ઉદ્યોગ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, ઓટોમોબાઈલ ક્ષેત્રના ઉદ્યોગ અગ્રણીઓ અને ટેકનિકલ નિષ્ણાંતોએ પણ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. કર્ણાટકના બેંગલોર સહિત દેશના વિભિન્ન ભાગોમાંથી પણ જુદા જુદા મહાનુભાવો આ પરિષદમાં ઓનલાઇન જોડાયાં હતાં. આ પરિષદમાં ભવિષ્યના પડકારો સંદર્ભે ઉદ્યોગને ડિજીટલ મેન્યુફેક્ચરીંગ માટે સંવેદનશીલ બનાવવા તેમજ વિકસીત ભારતના નિર્માણ માટે ઓટોમેશન અને ઇનોવેશન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા વગેરે જેવી બાબતોની ચર્ચા-વિચારણા કરાશે.  

   આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તરફથી આજની ઈન્ડસ્ટ્રી ૪.૦ પરિષદ માટે પાઠવાયેલ શુભેચ્છા સંદેશનું કેન્દ્રીય સંયુક્ત સચિવ દ્વારા વાંચન કરાયું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તેમના વર્ચ્યુઅલ સંબોધનમાં વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને એક ભારત-શ્રેષ્ઠ ભારતના વિચારક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી નિર્માણ પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઇન્ડસ્ટ્રી-૪.૦ ની યોજાયેલી મહત્વપૂર્ણ પરિષદમાં ગુજરાત અને કર્ણાટકને નવી ઇલેક્ટ્રીક બસ સુવિધા પ્રાપ્ત થવા બદલ ગુજરાત અને કર્ણાટકની જનતાને શુભેચ્છા પાઠવવાની સાથે કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં ઔદ્યોગિક ક્રાંતિ ૪.૦ ની ખૂબ જ ચર્ચા થઇ રહી છે, ત્યારે ભારે ઉદ્યોગો અને ઓટોમોબાઇલ્સ ક્ષેત્રની ભૂમિકા વિષે આ પરિષદમાં ચર્ચા-વિચારણા થવાની છે. આ ચર્ચાથી ભારતના ઓટોમોબાઇલ ક્ષેત્રને અનેક ફાયદા થશે તેવી અભિલાષા વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ ઓટોમોબાઇલ્સના મેન્યુફેક્ચરીંગ હબ તરીકે ઓળખાતાં ગુજરાતમાં યોજાયેલી આ પરિષદ “રાઇટ જોબ એન્ડ રાઇટ પ્લેસ” હોવાનું ઉમેર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં દેશ ઔદ્યોગિક ક્રાંતિ અને સર્વાંગી વિકાસની દિશામાં ગતિમાન છે તેમ જણાવી મુખ્યમંત્રી પટેલે કહ્યું હતું કે, પ્રધાનમંત્રીએ થોડા દિવસો પહેલા જ 5-G લોન્ચ કરીને ભારતમાં ડિજીટલ ટેક્નોલોજીને નવી ગતિ પુરી પાડી છે. તેવી જ રીતે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે ભારે ઉદ્યોગ મંત્રાલયે દેશના ભારે ઉદ્યોગોને વધુ સજ્જ બનાવ્યાં છે. આ પરિષદમાં ઓટો ઉદ્યોગ ક્ષેત્રે ઇન્ડસ્ટ્રી-૪.૦ વિષયમાં થનારી ગૃપ-ચર્ચાના નિષ્કર્ષ થકી આ સેક્ટરને નવું બળ પ્રાપ્ત થશે. ભારે ઉદ્યોગ ક્ષેત્રના વિભિન્ન પ્રકલ્પ અને પ્રયાસોથી ભારતમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ સાકાર થતી દેખાઇ રહી છે. કોમન ફેસીલીટી સેન્ટર્સ પણ દેશભરમાં ઉદ્યોગો માટે એક વિશિષ્ટ ઇનોવેશનનું નિર્માણ કરી રહ્યું છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
  કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડેએ જણાવ્યું હતું કે, આજે ભારત વૈશ્વિક ઉત્પાદન હબ તરીકે ઉભરી રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સરકાર બધાને સમાવીને વિકાસની દિશામાં સતત કામ કરી રહી છે. ૧૫ મી ઓગષ્ટે લાલ કિલ્લા પરથી વડાપ્રધાનએ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં ફેરવવાનો સંકલ્પ કર્યો હતો અને તેમના નેતૃત્વમાં દેશ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે. ૨૦૧૪ સુધી ભારત ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સના ટોચના ૫૦ દેશોમાં પણ નહોતું, પરંતુ આજે વડાપ્રધાનશ્રીના પ્રેરણાદાયી નેતૃત્વમાં ભારત ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં ૪૦ માં ક્રમે પહોંચી ગયું છે. તેમ તેઓએ ઉમેર્યું હતું.
 મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડેએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારતને વિશ્વનું ટેક-સંચાલિત, ઉત્પાદન હબ બનાવવા માટે મોદી સરકારે સુધારાઓ અને પ્રોત્સાહનો પર કામ કર્યું છે. વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં ભારતને મહત્ત્વપૂર્ણ કડી બનાવવા માટે ઉદ્યોગ અને સાહસિકો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે ઇન્ડસ્ટ્રી ૪.૦ પર નેશનલ કોન્ફરન્સ દ્વારા તેમને આશા છે કે ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ, યુવા સાહસિકો અને નીતિ-નિર્માતાઓ વચ્ચે એક નવું સંકલન થશે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ઓછી કિંમતે સારી ગુણવત્તા અને વધુ સારા સંસાધનોના ઉપયોગને કારણે ભારત અગ્રણી ઉત્પાદન કેન્દ્ર બની શકે છે. કેપિટલ ગુડ્સ સ્કીમમાં ટેક્નોલોજીના વિકાસને પ્રોત્સાહન આપવા માટે અનેક પહેલ કરવામાં આવી છે અને ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કેપિટલ ગુડ્સ સ્કીમમાં બીજા તબક્કા માટે રૂા.૧૨૦૭ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. કેપિટલ ગુડ્સ સ્કીમ હેઠળ મંત્રાલય દ્વારા સેન્ટર્સ ઑફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે, જે અંતર્ગત કોમન એન્જિનિયરિંગ ફેસિલિટેશન સેન્ટરની પણ સ્થાપના કરવામાં આવી છે.
 આ પરિષદનો હેતુ ભારતમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ લાવવાનો છે અને તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સમગ્ર ભારતમાં ડિજિટલ ક્રાંતિ સાથે ભારતને સજ્જ કરવામાં આવી રહ્યો છે તેમ જણાવી કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડેએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌ દેશવાસીઓને વિઝન આપ્યું છે કે, આપણે તમામ શહેરોને પ્રદૂષણ મુક્ત બનાવીશું. ખાસ કરીને વધતા પ્રદૂષણથી  ભારતમાં  દરેક રાજ્યોમાં ફેમ-૧ અને ફેમ-૨ દ્વારા ઈ-વ્હિકલ્સમાં સબસીડી આપી પ્રોત્સાહિત કરાય છે. ફેમ-૧ પૂર્ણ થયેલ છે અને હવે ફેમ-૨ માં ટૂ-વ્હીલરની સાથે સાથે થ્રી-વ્હીલર, ૪-વ્હીલર અને કોમર્શીઅલ બસોને પણ સબસીડી આપવામાં આવી છે અને સબસિડીના માધ્યમથી ઈલેક્ટ્રીક વ્હિકલ્સ ખરીદી માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તેના થકી લોકો વધુમાં વધુ ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરતા થાય તે દિશામાં દેશ ખૂબ આગળ વધી રહ્યો છે. આજે ગુજરાત અને કર્ણાટકમાં ૧૭૫ જેટલી ઈ-બસોનું લોકાર્પણ કરાયું છે, જેમાં ગુજરાતમાં ૭૫ બસોનો સમાવેશ થાય છે. ભારતમાં અત્યાર સુધીમાં ૩૮૦૦ થી વધુ ઈ-બસો દોડી રહી છે અને આગામી સમયમાં ૭૦૦૦ થી વધુ ઈ-બસોનો લક્ષ્યાંક છે. ખાસ કરીને યુવાપેઢી ટુ-વ્હીલર્સમાં આગળ આવી રહી છે. થ્રી-વ્હીલરમાં હાલમાં ઈ-વિહીકલ્સનું વધુ આકર્ષણ ઊભું થઈ રહ્યું છે.
  વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે એક નવી પહેલ ઉદ્યોગ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે, જેમાં ઉદ્યોગ મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલય, પરિવહન મંત્રાલય સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. ઉર્જા મંત્રાલયનો પણ તેમાં સહયોગ મળી રહ્યો છે. દેશના એવા ૨૨,૦૦૦ પેટ્રોલપંપ નક્કી કરવામાં આવ્યા છે, જેમની પાસે પૂરતી જગ્યા છે, જ્યાં ફૂડકોર્ટ પણ બનાવી શકાય અને ડીઝલ-પેટ્રોલ ભરાવવા માટેની સુવિધા પણ ઉપલબ્ધ હોય. તેની સાથે ચાર્જિંગ માટેનું પણ મોટું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવે જેથી લોકો આવા પોઇન્ટ ઉપર રિફ્રેશમેન્ટની સાથે પોતાનું વાહન પણ ચાર્જીંગ કરી શકે. આ દિશામાં અત્યારે ખૂબ જ ઝડપભેર કામગીરી ચાલી રહી છે. પ્રધાનમંત્રીશ્રી મોદીનું વિઝન છે કે, ૨૦૩૦ સુધીમાં ૪૫ ટકા કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકીએ અને તે માટે  બેટરી ઉત્પાદનને પણ વધારવામાં આવી રહ્યું છે, તેમ પણ પાંડેએ ઉમેર્યું હતું.
  કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડેએ વર્ચ્યુઅલી સેન્ટર ફોર ઇન્ડસ્ટ્રી-C4i4 Lab-પૂણેના લોકાર્પણની સાથે ઓનલાઇન એસેસમેન્ટ સ્કૂલને પણ ખૂલ્લી મુકી હતી.તદ્ઉપરાંત કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે અને રાજ્યમંત્રીશ્રી ક્રિષ્ણપાલ ગુર્જર સહિતના ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લીલી ઝંડી ફરકાવી પ્રજાકીય સેવા માટે ઇલેક્ટ્રીક બસોનું પ્રસ્થાન કરાવાયું હતું. ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ વર્ચ્યુઅલી લીલી ઝંડી ફરકાવી આ નવી ઇલેક્ટ્રીક બસોની પ્રસ્થાન વિધિમા જોડાયાં હતાં. ત્યારબાદ કેન્દ્રીય મંત્રીશ્રીઓ અને અન્ય મહાનુભાવોએ ટેન્ટસીટીના પરિસરમાં યોજાયેલા પ્રદર્શનની પણ મુલાકાત લઇ વિવિધ સ્ટોલ્સનું રસપૂર્વક નિરિક્ષણ કરી જરૂરી જાણકારી પણ તેમણે મેળવી હતી.
     પ્રારંભમાં કેન્દ્રીય ભારે ઉદ્યોગ રાજ્યમંત્રી ક્રિષ્ણપાલ ગુર્જરે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી રાષ્ટ્રીય પરિષદની રૂપરેખા આપી હતી.

 

(7:26 pm IST)