Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

એક તરફી પ્રેમમાં પરણિતાની પજવણી કરનાર સુરતના પીઆઇ સામે સુરેન્દ્રનગરમાં ફરિયાદ

પ્રેમમાં પાગલ થયેલા સુરતના PIએ પરિણીતાની કોલડિટેઇલ કઢાવી: પીઆઇએ પરણિતાના ઘરે જઈ તેને લાફા માર્યા અને પજવણી કરતાં પોલીસ ફરિયાદ

સુરતનાં એક પોલીસ ઇન્સપેક્ટરે ફરી ખાખી લજવી છે. સુરેન્દ્રનગરથી બદલી બાદ સુરત આવેલા પી.આઇએ એકતરફી પ્રેમમાં સુરેન્દ્રનગરની પરિણીતાની કોલ ડિટેઇલ કઢાવી હોવાની વાત બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે બે મહિના અગાઉ પરણિતાના પરિવારે સુરેન્દ્રનગર અને સુરત પોલીસ કમિશનરને અરજી આપી હતી. ત્યાર બાદ આ પી.આઈ દ્વારા પરણિતાને પજવતા પરણિતાએ સુરતના પી.આઇ અને તેમના ડ્રાઈવર વિરૂદ્ધ સુરેન્દ્નગર બી ડિવિઝન ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

 

રાજ્યની સૌથી મહત્વની કહેવાતી બ્રાન્ચમાંથી થોડાંક સમય પહેલાં જ બદલી લઇને આવેલાં પી.આઈ યશપાલ સિંહ મહાવીર સિંહ ગોહિલ હાલ સુરતમાં ટ્રાફિક વિભાગમાં પીઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને 2 મહિનાથી તેઓ રજા પર છે. આ પહેલાં તેમને ઉધના પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ત્યારે આ રંગીન મિજાજી આ પી.આઈ યશપાલ સિંહનો લગ્ન પૂર્વે તેમના જ સમાજની એક યુવતી સાથે પરિચય થયો હતો. જોકે આ પરિચય વધુ આગળ વધે તે પહેલાં આ યુવતીના અન્ય યુવાન સાથે લગ્ન થઇ ગયા હતા. અને પી.આઈના પણ અન્ય યુવતી સાથે લગ્ન થઈ ગયા હતા. પરંતુ સુરત આવ્યા બાદ થોડોક ફ્રી સમય મળતાં પી.આઇને આ યુવતીની જાસુસી કરવાનું મન થઇ આવ્યું હતું અને તેણે આ પરિણીતાનો નંબર મેળવી પોતાના પાવરનો ઉપયોગ કરી કોલ ડિટેઇલ મેળવી હતી. તેમજ આ પરિણીતા સાથે જે પણ વ્યક્તિ વાત કરતી હતી. તેમને ફોન કરી ધમકાવવાના શરૂ કર્યા હતા. પરિણીતાને ટેકનોલોજીનો દુરપયોગ કરી ફોન પણ કરતો હોવાથી પતિ સમક્ષ ભાંડો ફૂટી ગયો હતો. મહિલાના પતિને જ ધમકાવતાં છેવટે આ પરિવારે આ પોલીસ અધિકારીથી બચાવવા માટે સુરેન્દ્રનગર પોલીસ અને સુરત પોલીસ અધિકારીઓને લેખિત અરજી કરી હતી.

બે મહિના અગાઉ પી.આઇ વિરુદ્ધ અરજી થવા છતાં પણ તેણે પરણિતાને પજવવવાનું શરૂ રાખ્યું એટલું જ નહીં પણ તેઓએ પોતાના ડ્રાઈવર સાથે પરણીતાના ઘરે પહોંચી જઈ તેણીને લાફા પણ માર્યા હતા. આ સાથે કેટલાક મોફ વિડીયો બનાવી સંબંધીઓને પણ મોકલવામાં આવ્યા હતા. જેને પગલે આખરે આ પરણીતાએ પી.આઈની કરતુતોથી કંટાળી સુરેન્દ્રનગર બી ડિવિઝનમાં પોલીસ મથકમાં પી.આઈ અને તેમના ડ્રાઇવર જતીન સામે ગુનો દાખલ કર્યો છે. ત્યારે, પોલીસ ઇન્સપેક્ટરના એક તરફી પ્રેમમાં પરિણીતાની પજવણીને પગલે સુરત શહેર પોલીસને માથે ફરી કાળી ટીલડી લગાડી છે.

(7:12 pm IST)