Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

પીએમ મોદીના માસ્ક પહેરીને ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા : મોદી ભક્તિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ આ વિડીયો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો

અમદાવાદ :ગુજરાતમાં કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતા. ત્યારે ગરબા રમતા માઇ ભક્તિની સાથે ખેલૈયાઓની "મોદી ભક્તિ" પણ છલકાઇ હતી. તાજેતરમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ખેલૈયાઓ પીએમ મોદીનું માસ્ક પહેરીને ગરબે ઘૂમી રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ આ વિડીયો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો.

  વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી સૌથી લોકપ્રિય નેતા છે. વિશ્વના પસંદગીના નેતાઓની યાદીમાં વડાપ્રધાન મોદીનું નામ સૌથી ઉપર આવે છે. દેશ નહીં પરંતુ દુનિયાના દરેક ખૂણામાં મોદી ફેન જોવા મળે છે.ત્યારે વડાપ્રધાન મોદીના ચાહકો તેમના માટે કઈક ને કઈ નવુ કરતા રહે છે. આ વર્ષે નવરાત્રી પર્વની ઉજવણી દરમિયાન પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું. જેમાં ખેલૈયાઓ દ્વારા પીએમ મોદીના માસ્ક પહેરીને ગરબે ઘૂમ્યા હતા. મહિલાઓ, યુવાનો અને બાળકો સહિત તમામ પીએમ મોદીના માસ્ક પહેરીને ગરબે ઘૂમતા હોવાનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે.

  સી.આર. પાટીલ દ્વારા તાજેતરમાં જ આ વિડીયો શેર કરવામાં આવ્યો હતો. જેની સાથે તેમણે લખ્યું કે, "બધે મોદી જ મોદી….આ જનતાનો વિશ્વાસ છે, આ વિકાસ પરનો વિશ્વાસ છે, આ જનતાનો સ્નેહ છે !" ઉલ્લેખનીય છે કે આ વર્ષે નવરાત્રીના પોષાકો પર પણ લોકોએ પીએમ મોદીનો ચહેરો બનાવ્યો હતો. સાથે સાથે કેટલાંક ખેલૈયાઓએ પીએમ મોદીના ચહેરાના ટેટૂ પણ બનાવ્યા હતા. ત્યારે પીએમ મોદીના માસ્ક સાથે ગરબે ઘૂમતા આ ખેલૈયાઓનો વિડીયો વાયુ વેગે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

(7:05 pm IST)