Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

36 મી નેશનલ ગેમ્સ માટેની ગુજરાત સરકારની સજ્જતા, આયોજન અને વ્યવસ્થા રમતવીરોને ઓલિમ્પિક્સ જેવો અનુભવ કરાવે છે

ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના બિલ્ડિંગમાં 'રમતગમત સચિવાલય' ઊભું કરાયું : કંટ્રોલરૂમ 24x7 કાર્યરત: ખેલાડીઓ, કોચ અને અધિકારીઓની અવરજવર માટે 100 જેટલી બસ તહેનાત : બસ સમયસર પહોંચે તેનું ધ્યાન રાખવા તમામ બસોનું મેપિંગ કરાયું છે

અમદાવાદ : 36 મી નેશનલ ગેમ્સ 2022ના આયોજનમાં ગુજરાત સરકારે નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. સાત વર્ષથી નેશનલ ગેમ્સનું આયોજન થયું ન હતું, નેશનલ ગેમ્સના આયોજન માટે પૂર્વતૈયારી, આયોજન, વ્યવસ્થા અને  ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. ગુજરાત સરકારે આ પડકાર જીલી લીધો અને માત્ર ત્રણ મહિનાથી ઓછા સમયમાં ગુજરાત સરકારે નેશનલ ગેમ્સનું આયોજન કરી લીધું. સામાન્ય સંજોગોમાં 'ગેમ વિલેજ'નો  ખયાલ અપનાવવામાં આવતો હોય છે, પરંતુ ગુજરાત સરકારે છ શહેરોમાં 15 થી વધુ સ્થળોએ રમતોનું આયોજન કરીને રમતના સુચારુ આયોજનની સાથોસાથ સ્થાનિક અર્થતંત્રને વેગ આપવાનું પણ આયોજન વિચાર્યું.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા અને શક્ય તેટલા વધુ લોકોને નેશનલ ગેમ્સની ચળવળ સાથે જોડવા માટે છ શહેરોમાં રમતોનું આયોજન કરાયું છે. અલગ અલગ છ શહેરોમાં રમતોનું આયોજન હોવાથી પડકારો પણ ઘણા છે. ખાસ કરીને લોજિસ્ટિકલ પડકારો. છ શહેરોમાં અસરકારક સંકલન માટે અમે કંટ્રોલરૂમ સાથે માઇક્રોપ્લાનિંગનો આશરો લીધો છે.  ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ભવનમાં કંટ્રોલરૂમની રચના કરવામાં આવી છે, જે છ શહેરોમાં પરિવહન અને આવાસ સહિત લોજિસ્ટિક્સનું ખાસ સંકલન કરવા માટેનું રમતગમતનું સચિવાલય છે. આ કંટ્રોલરૂમ 24x7 કામ કરે છે, જેનું સંચાલન વરિષ્ઠ સરકારી અધિકારીઓ કરી રહ્યા છે.
આ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા એક કર્મચારી સાથે ચર્ચા કરતાં જાણવા મળ્યું કે, આ કંટ્રોલરૂમ દિવસ કરતાં પણ રાત્રિના સમયે ખૂબ જ સક્રિય હોય છે. રાત્રી દરમિયાન ઘણા ખેલાડીઓનું આગમન અથવા તો પ્રસ્થાન હોય છે, એટલું જ નહીં આગળના દિવસની રમતોના આયોજનને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે અને છેક શહેર સ્તરે અને સ્થળ સ્તરે તેની જાણ કરવામાં આવે છે. ખેલાડીઓની પ્રેક્ટિસનું સત્ર અને કેટલાક કિસ્સાઓમાં રમતો પણ વહેલી સવારે 6:00 વાગ્યાથી શરૂ થતી હોય છે, તેને ધ્યાનમાં લેતાં અધિકારીઓ અને કર્મચારીઓ તથા સ્વયંસેવકોની એક મજબૂત ટીમ કંટ્રોલરૂમમાં રાત્રિ દરમિયાન કામ કરી રહી છે.
આ કંટ્રોલરૂમની જવાબદારી સંભાળતા એક અધિકારીએ જણાવ્યું કે, રમતગમતની ઘટનાઓ સાથે સંકળાયેલા પડકારો પણ અનોખા છે. ખેલાડીઓ, કોચ અને વ્યવસ્થાપકોની રમતના સ્થળ અને હોટલ વચ્ચે વારંવાર અવરજવર રહે છે. કેટલીકવાર રમતવીરોની આખી ટીમ મુસાફરી કરે છે તો કેટલીકવાર મેચ કે પ્રેક્ટિસ માટે વ્યક્તિગત રમતવીરો પણ આવ-જા કરે છે. ટેકનિકલ અધિકારીઓ અને કોમ્પિટિશનના મેનેજર્સને પણ રમતના સ્થળો અને હોટેલ્સ વચ્ચે વારંવાર આવ-જા કરવાની જરૂર પડે છે. આ માટે ઝીણવટભર્યા આયોજન અને તેમની સાથે ગાઢ સંકલનની આવશ્યકતા રહે છે, એટલે અને અન્ય અધિકારીઓના મૂવમેન્ટ પ્લાનની વિગતો એકઠી કરવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે એસ.ટી.ના અધિકારીઓની એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ રમતવીરો-ખેલાડીઓની ટીમોની  સુઆયોજીત, કષ્ટવિહીન અવરજવર માટે નિયમિત સમયાંતરે સ્પર્ધાના વ્યવસ્થાપકોને કૉલ કરે છે. પરિણામે કોઈ સ્પર્ધક, રમતવીર, ટીમ, કોચ કે વ્યવસ્થાપકોને કોઈ જ અડચણ પડતી નથી.
ભારતના સુપ્રસિદ્ધ ખેલાડી પી.વી.સિંધુએ પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું કે, "મને ખુશી છે કે સાત વર્ષના અંતરાલ પછી નેશનલ ગેમ્સ યોજાઇ રહી છે. બધી જ રીતે આ નેશનલ ગેમ્સ અત્યાર સુધીની તમામ નેશનલ ગેમ્સની શ્રેષ્ઠ આવૃત્તિ છે."
ઍથ્લેટ નેહા ગોયલે કહ્યું કે, " અમારી આગમનવેળાએ ઉષ્માભર્યું સ્વાગત, સુંદર પરિવહન વ્યવસ્થા, સરસ રહેઠાણ અને ભોજન વગેરે તમામ સુવિધાઓથી મને એવું લાગી રહ્યું છે કે, હું ફરીથી ઓલિમ્પિકસમાં રમી રહી છું.
36મી નેશનલ ગેમ્સ અત્યાર સુધીની ભારતની સૌથી મોટી રાષ્ટ્રીય રમત છે. તેને ધ્યાનમાં લઈને 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ટુકડીઓ આવી છે. આ તમામ ખેલાડીઓની અવરજવર માટે 100 થી વધુ બસોના કાફલાનું આયોજન અને સંચાલન કરવામાં આવ્યું છે. આ દરેક બસનું નિયમન કરવા બસ સાથે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે. તમામ બસો નિયમિત રીતે તેના નિયુક્ત સ્થળોએ સમયસર પહોંચે તેની ખાતરી કરવા માટે મેપિંગ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, હોટલ્સ અને રમતગમતના સ્થળોના ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે, જેની આસપાસ બૅકઅપ તરીકે વધારાના વાહનો પણ પાર્ક રાખવામાં આવ્યા છે. એટલે ક્યારેક અણીના સમયે વાહન બ્રેકડાઉન હોય કે અન્ય પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક અને અસરકારક પ્રતિસાદ મળી રહે. તમામ હોટેલ્સ અને સ્થળોએ હેલ્પ ડેસ્ક પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પધારેલા ખેલાડીઓ અને અધિકારીઓને તેમના ગુજરાતમાંના રોકાણ દરમિયાન યાદગાર અનુભવ પૂરો પાડવા આવાસ અને વાહન વ્યવહારના મુદ્દાઓને અત્યંત મહત્વ આપવામાં આવ્યું છે. ગુજરાત મહેમાનગતિ માટે જાણીતું છે ત્યારે તમામ ખેલાડીઓ કે કૉચનું ગુજરાતમાં જેટલું પણ રોકાણ હોય તે અવિસ્મરણીય બની રહે એ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ખિલાડીઓના પ્રસ્થાનના પ્લાનિંગ માટે પણ હોટેલ્સ અને ટીમ મેનેજર્સ સાથે સંકલન રાખવા વિશેષ ટીમ બનાવવામાં આવી છે.
રાજ્ય સરકારની વિશેષ વ્યવસ્થા તો એ છે કે, જો કોઈ રમતવીર અથવા અધિકારી શિડયુલ સમય સિવાય પણ રમતના સ્થળ પર જવા માગે કે હોટલ પર પાછા આવવા માંગે તો તે રમતવીર કે ખેલાડી પોતાની રીતે ખાનગી વાહન ભાડે લઈ શકે છે અને  રાજ્ય સરકાર તરત જ તે ખર્ચનું વળતર- રિએમ્બર્સમેન્ટ કરી આપે છે. કોઈપણ ખેલાડી કે અધિકારી માટે  આ ઉત્તમમાં ઉત્તમ અનુભવ બની રહે છે
ગુજરાત સરકાર હંમેશા નવા અભિગમ વિકસાવવા માટે સુપ્રસિદ્ધ છે. ત્રણ મહિનાથી ઓછા સમયમાં નેશનલ ગેમ્સનું ઝીણવટભર્યું આયોજન કરીને ગુજરાતે ભારતના તમામ રાજ્યો માટે એક ઉદાહરણણીય મોડલ પૂરું પાડ્યું છે.

(6:49 pm IST)