Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ભાજપ નેતા કુલદીપસિંહ રાઉલજી આજે કોંગ્રેસમાં જોડાયા: સાવલી બેઠકના હવે બદલાશે સમીકરણ

ક્ષત્રિય સમાજના કદાવર નેતા કુલદીપસિંહ બરોડા ડેરીનાં ડિરેક્ટર પણ છે:જો કોંગ્રેસ કુલદીપસિંહને ટિકીટ આપે છે તો ભાજપનાં ધારાસભ્ય કેતન ઇનામદારની જે એક તરફી જીત સામે ઉભો થશે પડકાર

વિધાનસભા ચૂંટણી નજીક આવતા ક્યારેક કોંગ્રેસને તો ક્યારેક ભાજપનો ઝટકો લાગે છે. સામાન્ય રીતે કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ પોતાનો પક્ષ છોડીને ભાજપમાં સામેલ થઇ રહ્યા છે. હાલમાં જ જૂનાગઢમાં વિસાવદરના કોંગ્રસનાં ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રાજીનામું આપ્યુ અને ભાજપમાં જોડાયા છે. હવે સમાચાર આવી રહ્યા છે વડોદરાના સાવલીમાંથી.જ્યાં ભાજપનાં દિગ્ગજ નેતાએ પાર્ટીનો છેડો ફાડ્યો છે. આવતી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ વડોદરના સાવલીમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. ભાજપનાં નેતા કોંગ્રેસમાં જોડાવા જઇ રહ્યા છે.

 

મળતી માહિતી મુજબ વિધાનસભા ચૂંટણી પહેલાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. ભાજપ નેતા કુલદીપસિંહ રાઉલજી આજે કોંગ્રેસમાં જોડાયા છે. ક્ષત્રિય સમાજના કદાવર નેતા કુલદીપસિંહ બરોડા ડેરીનાં ડિરેક્ટર પણ છે. જો કોંગ્રેસ કુલદીપસિંહને ટિકીટ આપે છે તો સાવલી વિધાનસભા બેઠક પરથી ભાજપનાં ધારાસભ્ય કેતન ઇનામદારની જે એક તરફી જીત દેખાતી હતી તેમાં પડકાર આવી શકે છે. કારણ કે કુલદીપસિંહ રાઉલજી ક્ષત્રિય સમાજમાં સારુ પ્રભુત્વ જમાવે છે એટલે કે આવતી વિધાનસભા ચૂંટણીમાં સાવલી વિધાનસભા બેઠક પર કેતન ઇનામદાર અને કુલદીપસિંહ રાઉલજી વચ્ચે ટાંકાની ટક્કર થાય તો નવાઇ નહીં...

 

અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી પહેલા જ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે ત્યારે રાજકીય પક્ષોમાં ગરમાવો આવ્યો છે. સાથે જ પક્ષ પલટાનો પવન પૂર જોશમાં ફૂંકાય રહ્યો છે. મોટા ભાગે કોંગ્રેસનાં મોટા નેતાઓ ભાજપમાં જોડાતા જોવા મળ્યા છે. પરંતુ આ વખતે ભાજપનાં નેતા કોંગ્રેસમાં જોડાવા જઇ રહ્યા છે. તેથી વડોદરા સાવલીનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

 

(6:35 pm IST)