Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

માણસામાં જુહાપુરાના ચાર વેપારીઓએ વિશ્વાસ કેળવ્યા બાદ 41 લાખની છેતરપિંડી આચરતા ગુનો દાખલ

માણસા :  માણસા માર્કેટ યાર્ડમાં ટ્રેડિંગ કંપની વેપારી સાથે જૂહાપુરાના ચાર વેપારીઓએ વિશ્વાસ કેળવ્યા બાદ સ્ક્રેપનો માલ ખરીદ્યો હતો.ચારેય વેપારીઓ ભેગા મળી માણસાના વેપારી સાથે થયેલ વ્યવહાર પૈકી એક કરોડ ૪૧ લાખથી પણ વધુ રકમ પરત ન આપી વારંવાર બહાના અને વાયદા કરી રહ્યા હતા જેથી માણસાના વેપારીને પોતાની સાથે  છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેણે સ્ક્રેપના ચાર વેપારી વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માણસા શહેરમાં આવેલ મહેશ્વરી સોસાયટીમાં રહેતા અને માર્કેટયાર્ડમાં મહેશ્વરી ટ્રેડિંગ કંપની નામની દુકાન ધરાવતા મુકેશકુમાર જવાહરલાલ વાણીયા આશરે દોઢ વર્ષ અગાઉ અમદાવાદ ચાંદખેડા ખાતે તેમના ભાઈની દુકાને ગયેલા તે વખતે બંને ભાઈઓ ધંધા બાબતે વાતચીત કરતા હતા તે વખતે જુહાપુરા ખાતે રહેતો અને એમ.એસ.એન્ટરપ્રાઇઝ નામની કંપની ચલાવતો રિઝવાન રફિકભાઈ મોહમ્મદ તે વખતે હાજર હતો અને તેણે બંને ભાઈઓની વાત સાંભળી પોતે સ્ક્રેપનો ધંધો કરે છે અને જો તમે મૂડી રોકાણ કરો તો તે સ્ક્રેપનો માલ બતાવશે અને તે માલ અહીં લાવી તેને વેચી વધુ નફો મળશે અને તેના બદલામાં મને દલાલી આપવી પડશે તેવું જણાવ્યું હતું જેથી વિશ્વાસમાં આવેલા મુકેશભાઈએ બે મહિના બાદ રિઝવાનના કહેવા પ્રમાણે રાજસ્થાનના બાસવાડા ખાતેથી ૫૫૦ ટન સ્ક્રેપનો માલ ત્રણ મહિનામાં ઉપાડી લેવાની શરતે રાખ્યો હતો અને તેમાંથી ટુકડે ટુકડે ૨૦૦ ટન જેટલો માલ અમદાવાદ લાવી રિઝવાની તેનું વેચાણ કરી મૂડીનું રોકાણ કરનાર મુકેશભાઈ ને આરટીજીએસથી રકમ મોકલાવી દેતો હતો અને આ રીતે બંને વેપારી એકબીજા પર ભરોસો કરી વેપાર કરતા હતા જેમાં ગત ઓક્ટોબર ૨૦૨૧માં રિઝવાને મુકેશભાઈને જણાવ્યું હતું કે બાસવાડા ખાતે બાકીનો રહેલો માલ અને એલ્યુમિનિયમના અત્યારે ભાવ ઓછા હોવાથી ખરીદવાનું જણાવ્યું હતું જેથી મુકેશભાઇએ તેના કહયા પ્રમાણે એક્વા એન્ટરપ્રાઇઝ ના નીતિનભાઈ જયંતીભાઈ પારગીના ખાતામાં ૬૫ લાખ તથા એકતા એન્ટરપ્રાઇઝ અને એમ.એસ.એન્ટરપ્રાઇઝ ના ખાતામાં ૧ કરોડ ૨૯ લાખ રૃપિયા જમા કરાવ્યા હતા ત્યારબાદ સ્ક્રેપનો બધો માલ અમદાવાદ લાવી તેનું વેચાણ કરી વીસ દિવસમાં રકમ નફા સાથે આપી દેવાની રીઝવાને મુકેશભાઈને વાત કરી હતી પરંતુ ૨૦ દિવસ થવા છતાં પણ જુહાપુરાના આ વ્યાપારીએ સ્ક્રેપનું વેચાણ થઈ ગયું હોવા છતાં પણ રકમ ન ચૂકવતા મુકેશભાઈએ ઉઘરાણી કરતાં તેણે જણાવ્યું હતું કે ૪૫ ટન જેટલો માલ એવન એન્ટરપ્રાઇઝના સલીમખાન દિલાવરખાન પઠાણ રહે જૂહાપુરા ના ગોડાઉનમાં પડયો છે જેનું વેચાણ થઈ જશે ત્યારબાદ નવેમ્બરમાં ૨૫ લાખ રૃપિયા આપશે તેઓ વાયદો કર્યો હતો જેથી અવારનવાર સ્ક્રેપના માલના પૈસા બાબતે મુકેશભાઈએ ઉઘરાણી શરૃ કરતાં રિઝવાન ખોટા વાયદા કરવા લાગ્યો હતો જેથી તેમણે તેમના મિત્રો સાથે પણ રિઝવાનની મીટીંગ કરાવી તે વખતે પણ તેણે પૈસા આપી દેવાનું વચન આપ્યું હતું અને ઘણો સમય રાહ જોયા બાદ વેપારીએ સામેના વેપારીઓ ને પણ તેમની બાકી નીકળતી રકમ ચૂકવવા માટે ઉઘરાણી કરી હતી તેમ છતાં તેમને નાણાં પરત ન મળતા આખરે તેમણે ફેમસ એન્ટરપ્રાઇઝના રિઝવાન રફિકભાઈ મોહમ્મદ રહે જુહાપુરા પાસે ૪૮,૭૧,૧૯૦ રૃપિયા,તનવીર ફારુકભાઈ મન્સૂરી એશિયન સ્ક્રેપ ટ્રેડિંગ રહે જૂહાપુરા પાસે ૪૪,૯૩,૮૧૦ રૃપિયા, એવન એન્ટરપ્રાઇઝના સલીમખાન દિલાવર ખાન પઠાણ રહે જુહાપુરા પાસે ૪૬,૯૪,૧૪૭ રૃપિયા અને એક્વા એન્ટરપ્રાઇઝના નીતિનભાઈ જયંતીભાઈ પારગી પાસે ૧,૦૮,૮૮૩ રૃપિયા મળી કુલ ૧,૪૧,૬૮,૦૩૦ રૃપિયા બાકી લેવાના નીકળતા હોવા છતાં આ નાણા પરત ન કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા બદલ ફરિયાદ આપતા માણસા પોલીસે છેતરપિંડી કરનાર ચારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:55 pm IST)