Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જાંબુઘોડા-પ, મોરવાહડફ-૪, ગોધરામાં ૩ ઇંચ

છેલ્લા ર૪ કલાકમાં રાજયના ૯૧ તાલુકાઓમાં વરસાદ વરસ્‍યો

રાજકોટ, તા. ૭ :  ચોમાસાની વિદાય વચ્‍ચે રાજયના ૯૧ તાલુકાઓમાં વરસાદ વરસ્‍યો છે.

ગુજરાતમાં હવામાનની આગાહી પ્રમામે પાછલા ૨૪ કલાકમાં રાજ્‍યના ૯૧ તાલુકામાં વરસાદ પડ્‍યો છે. સૌથી વધુ જાંબુઘોડામાં ૫ ઈંચ, મોરવા હડફમાં ૪ અને ગોધરામાં ૩ ઈંચ વરસાદ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. મધ્‍ય ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડ્‍યો છે. ૨૪ કલાકમાં ૯ તાલુકામાં લગભગ બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત ૨૭ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્‍યો છે. અમદાવાદ અને વડોદરામાં પવન સાથે મેઘમહેર સહિત રાજ્‍યના ૯૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

એક તરફ ગુજરાતમાં ચોમાસું વિદાય લઇ રહ્યુ છે, ત્‍યારે બીજી તરફ રાજ્‍યમાં સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ સામાન્‍ય વરસાદ રહેશે અને થન્‍ડર સ્‍ટોમ એક્‍ટિવિટીના કારણે ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે.

ઉલ્લેખનિય છે કે, આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. રાજ્‍યની વાત કરવામાં આવે તો અહીં સરેરાશ ૧૧૯.૬૧ ટકા વરસાદ ખાબકયો છે. કચ્‍છમાં ૧૮૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૨૧ ટકા, પૂર્વ ગુજરાતમાં ૯૬ ટકા, સૌરાષ્‍ટ્રમાં ૧૦૯ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૩૨ ટકા વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ૭ ઓક્‍ટોબરે થન્‍ડર સ્‍ટોમ એક્‍ટિવિટીના કારણે દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં સામાન્‍યથી મધ્‍યમ વરસાદ પડવાની શકયતા રહેલી છે. ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું પણ હવામાન વિભાગનું અનુમાન છે.

૮ ઓક્‍ટોબરે પંચમહાલ, દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં થન્‍ડર સ્‍ટ્રોમ એક્‍ટિવિટીના કારણે ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સામાન્‍યથી મધ્‍યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે.

(4:25 pm IST)