Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે “આઝાદી @75 : પીએમ ગતિ શક્તિ ગુજરાત” અંતર્ગત સેમિનાર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સશક્ત માર્ગદર્શન અને દિશાનિર્દેશન હેઠળ રાજ્ય કક્ષાએ ગતિ શક્તિ પોર્ટલ શરૂ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના નેતૃત્વમાં ગુજરાત ફોકસ્ડ ટાર્ગેટેડ એક્શન પ્લાનના વિવિધ ક્ષેત્રે અમલથી ઇન્ફ્રાસ્ટ્રકચર લેન્ડ સ્કેપમાં મોટા પાયે પરિવર્તન લાવનારૂં રાજ્ય બન્યુ છે. વડાપ્રધાનએ અમલી કરેલા “PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન”ના અમલીકરણ માટે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે “આઝાદી @75 : PM ગતિ શક્તિ ગુજરાત” અંતર્ગત યોજાયેલા સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના હસ્તે “PM ગતિ શક્તિ ગુજરાત” પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યુ હતુ. આ પોર્ટલ વડાપ્રધાનના વિઝનને સાકાર કરવા તથા આ માસ્ટર પ્લાનના ઝડપી અમલીકરણ માટે ખુબ મહત્વપૂર્ણ સાબિત થશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના સશક્ત માર્ગદર્શન અને દિશાનિર્દેશન હેઠળ રાજ્ય કક્ષાએ ગતિ શક્તિ પોર્ટલ શરૂ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે એનો ગૌરવ સહ ઉલ્લેખ તેમણે કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીનો “PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન” ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર લેન્ડસ્કેપને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેમ જણાવી મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ પ્લાનથી માત્ર ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જ નહિ પરંતુ નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગ પણ સુનિશ્વિત થશે. ગુજરાત તેની સાનુકૂળ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ, વિશાળ સંભવિત બજાર, રાજકીય સ્થિરતા અને ભરોસાપાત્ર શાસન સાથે વૈશ્વિક વ્યાપાર માટે વિપુલ તકો પ્રદાન કરે છે ત્યારે રાજ્યમાં ઉપલબ્ધ તકોનું અન્વેષણ કરવા અને ગુજરાત અને ભારતની વૃદ્ધિમાં ભાગીદાર બનવા તેમણે આ સેમિનારમાં સહભાગી સૌને અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનએ તેમના દૂરંદેશીપૂર્ણ સુધારાઓ સાથે ગુજરાતના સંતુલિત અને પ્રાદેશિક વિકાસને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આર્થિક સમૃદ્ધિ માટે રાજ્યમાં કનેક્ટિવિટી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો અને તે માટે ફોકસ્ડ ટાર્ગેટેડ એક્શન પ્લાન્સ અમલી બનાવવામાં આવ્યા છે તેના પરિણામે રાજ્યે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેન્ડસ્કેપમાં મોટા પાયે પરિવર્તન આવ્યું છે.

 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યુ કે, “પ્રગતિપથ” યોજનામાં રાજ્યના છેડાને જોડતા 9 હાઇસ્પીડ કોરિડોરને પહોળા અને મજબૂત બનશે. કુલ રૂ.2488 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટમાં કુલ 3710 કિમી લંબાઇના હાઇવે તૈયાર કરાશે. તેવી જ રીતે નગરપાલિકાઓ, શહેરી વિસ્તારો, શહેરો અને મોટાં શહેરોમાંથી પસાર થતા રાજ્યના માર્ગોનું આધુનિકીકરણ માટે “વિકાસ પથ” કાર્યક્રમ કાર્યરત છે. “કિસાન પથ” પહેલથી ખેડૂતોના જીવનની ગુણવત્તામાં સુધારો થયો અને તેમની ખેતપેદાશો અને દૂધ ઝડપથી બજારમાં પહોંચતા થયા છે. તે ઉપરાંત રાજ્યમાં “પ્રવાસી પથ”ની નવતર પહેલ થકી 60 થી વધુ પ્રવાસી સ્થળો વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધારો થતાં પ્રવાસન ઉદ્યોગ વધુ વેગવાન બન્યો છે. રૂ.2300 કરોડ કરતાં વધુના કેન્દ્રિત રોકાણો સાથે આ પહેલથી રાજ્યના 24 થી વધુ જિલ્લાઓને ફાયદો થયો છે.

તેમણે જણાવ્યું કે, “રેલવે કનેક્ટિવિટી” થકી રેલવે ક્ષેત્રે પણ વિકાસને આગળ ધપાવવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ઓપન એક્સેસ- કોમન કેરિયરના ધોરણે એક સંકલિત રાજ્ય-વ્યાપી ગેસગ્રીડ વિકસાવી છે. મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રોને જોડતા 25 જિલ્લાઓમાં પાઇપલાઇન ગેસ ગ્રીડ નેટવર્ક રાજ્યમાં કાર્યરત છે. એ જ રીતે સિંચાઈ માટે પાણીના વિતરણ માટે 75,000 કિમીનું રાજ્યવ્યાપી વોટર ગ્રીડ નેટવર્ક અને 14,000 થી વધુ ગામડાઓ અને 154 નગરોને પાણી પહોંચાડવા માટે પીવાના પાણીની ગ્રીડની સ્થાપના કરતો એક મિશન મોડ પ્રોજેક્ટ “વોટર ગ્રીડ” હાથ ધર્યો છે. રાજ્ય સરકારે બંદરોના વિકાસ માટે ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહિત કરતી પ્રથમ પોર્ટ પોલિસી અમલી બનાવી છે. ભારતનું પ્રથમ ખાનગી બંદર ગુજરાતનું પીપાવાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિક્સાવવામાં આવ્યું હતું.

ભારત નેટ પ્રોજેક્ટના અમલીકરણમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર છે તેમ જણાવી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, ગુજરાતે ડિજિટલ સેવાસેતુ પ્લેટફોર્મ, GSWAN જેવા વિવિધ ડિજિટલ સુધારાઓ અને પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે. રાજ્યની વિકાસયાત્રા વધુ વેગવંતી બને તે માટે ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, 12 લેન દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ-વે, ગુજરાતના મુખ્ય શહેરોને જોડતા રેલ કોરિડોર અને મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતે છેલ્લા એક દાયકામાં સતત 10% થી વધુ વાર્ષિક GDP વૃદ્ધિ દર નોંધાવ્યો છે, જે ભારતના GDPમાં 8.28% થી વધુ ફાળો આપે છે. રાજ્ય સરકારે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રિફોર્મ્સ, ડિજિટલ ગવર્નન્સ, પોલિસી પહેલ અને રોજગારના ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર પહેલ કરી છે, જેના કારણે ગુજરાત દેશમાં અગ્રણી રાજ્ય બન્યું છે. “ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ એન્ડ લોજિસ્ટિક્સ પાર્ક પોલિસી” શરૂ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવશ્રી રાજ કુમાર, ગુજરાત મેરીટાઇમ બોર્ડ વાઇસ ચેરમેન અને સીઇઓ આર. બી. બારડ, સીઆઈઆઈ ગુજરાત કાઉન્સિલના વાઈસ ચેરમેન દર્શન શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.

(9:14 pm IST)