Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ગેહલોતના દારૂ અંગેના નિવેદનથી ભાજપને પેટાચૂંટણીમાં કોંગ્રેસ વિરોધી 'પેગ' મળ્યો !

ગુજરાતમાં ઘરે-ઘરે દારૂ પીવાતો હોવાના આરોપથી ભડકો

રાજકોટ, તા. ૭ :. રાજસ્થાનના કોંગ્રેસી મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં ઘરે-ઘરે દારૂ પીવાતો હોવાના મતલબનું નિવેદન કરતા ભાજપે તેનો જોરદાર વિરોધ કરી કોંગ્રેસને બચાવની સ્થિતિમાં મુકવાનો પ્રયાસ કર્યો છે. રાજ્યમાં ખેરાલુ, અમરાઈવાડી, લુણાવાડા, થરાદ, રાધનપુર વગેરે સહિત ૬ મત ક્ષેત્રમાં તા. ૨૧મીએ વિધાનસભાની પેટાચૂંટણી છે. તેનો પ્રચાર અત્યારે જોરશોરથી ચાલી રહ્યો છે તેવા ટાણે જ ગેહલોતના નિવેદનથી ભાજપને કોંગ્રેસ વિરોધી પ્રચારનો જાણે રાજકીય પેગ મળી ગયો છે.

અશોક ગેહલોત જેવા સિનીયર નેતાએ ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાતો હોવાનુ નિવેદન કયા સંદર્ભમાં અને કયા હેતુથી કર્યુ છે ? તેનો જવાબ તો તેઓ ખુદ જ આપી શકે. અત્યારે તો તેમના આ નિવેદને કોંગ્રેસને બચાવની સ્થિતિમાં મુકી દીધી છે. ગુજરાતમાં દારૂબંધી છે. રાજ્ય સરકારે દારૂ અંગેના કાયદા કડક કર્યા છે. દારૂબંધીના કારણે ગુજરાતની તિજોરી પર અસર છે. ગાંધીનું ગુજરાત હોવાથી સરકારે શાંતિ સલામતીના ભોગે દારૂને પરવાનગી નહિ આપવાનંુ વલણ અપનાવ્યુ છે. જો કે દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂ અને દારૂડીયા પકડાઈ છે તે અલગ બાબત છે. ગેહલોતના નિવેદન પાછળ કોનું શું રાજકારણ છે ? તે તપાસનો વિષય છે. અત્યારે તો તેમના નિવેદનથી રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. મુખ્યમંત્રી તથા ભાજપના પ્રવકતાએ ગેહલોતના આ નિવેદનને ગુજરાતની પ્રજાના અપમાન સમાન ગણાવ્યુ છે. નિવેદન જે રીતે પ્રસ્તુત થયુ છે તે લોકલાગણી પર મોટી અસર કરી શકે તેમ છે. ૬ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી ગાજી છે ત્યારે જ કોંગ્રેસી નેતાના નિવેદનથી ભાજપને પ્રચારનો મજબુત મુદ્દો મળી ગયો છે. ભાજપે ગેહલોત માફી માગે તેવી માંગણી કરી છે. આ મામલે ભાજપ લોકમત બળવત્તર બનાવવા નિવેદનને રાજકીય રીતે અનુરૂપ ઘાટ આપી પ્રચારના કાર્યક્રમો આપે તેવી સંભાવના નકારાતી નથી.

(3:48 pm IST)