Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

સાબરમતીની જેલમાં મહિલા કેદી માટે પ્રોજેકટ લોન્ચ થયો

સેનિટરી નેપકિન્સ માટેના વેન્ડીંગ મશીન : સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શાહ, હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ સહિતના મહાનુભાવના હસ્તે ઉદ્ઘાટન કરાયું

અમદાવાદ, તા.૬  દેશના પ્રધાનમંત્રી સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારતનું જે અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે સાબરમતી જેલમાં મહિલા કેદીઓના સેનિટરી નેપકિન્સ માટેના વેન્ડીંગ મશીન અને ઇનસિનરેટરની સુવિધા ઉપલબ્ધ બનાવતાં પ્રશંસનીય પ્રોજેકટ થકી તેમાં સહભાગી થવાનો અનોખો પ્રયાસ કરાયો છે. મહિલા કેદીઓએ આ સુવિધાનો યોગ્ય લાભ લેવો જોઇએ તથા તેનો દુરપયોગ ન થાય તેની તકેદારી રાખવી જોઇએ. આ પ્રોજેકટ મારફતે જેલમાં મહિલા કેદીઓનું આરોગ્ય અને સન્માન જળવાશે તે સરાહનીય વાત છે એમ અત્રે સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર. શાહે જણાવ્યું હતું. આજે  ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગૃહ વિભાગ અને જેલ વિભાગના સંકલનથી, અમદાવાદના સાબરમતી સેન્ટ્રલ જેલના મહિલા સેલ ખાતે મેન્સટ્રુઅલ હાઇજીન જાગૃતતાના ભાગરૂપે સેનિટરી નેપકિન્સ માટેના વેન્ડીંગ મશીન અને ઇનસિનરેટર ઉપલબ્ધ કરાવી મહિલા કેદીઓના આરોગ્ય અને સન્માનને જાળવવાના ઉમદા હેતુ સાથે એક પ્રશંસનીય પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

             આ ઉમદા પ્રોજેક્ટની શરૂઆત સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી એમ.આર. શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ન્યાયમૂર્તિ શ્રી વિક્રમ નાથ(પેટ્રોન-ઇન-ચીફ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ), ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી એસ.આર.બ્રહ્મભટ્ટ સાહેબ, ન્યાયમૂર્તિ શ્રી આર.એમ. છાયા અને ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં કરવામાં આવી હતી. સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી એમ.આર.શાહે વધુમાં જણાવ્યું હતું કે,  લીગલ ક્લિનીકમાં દર શુક્રવારે એક એડવોકેટ તેમજ પેરા લીગલ વોલન્ટીઅર હાજર રહેશે તથા મહિલાઓના પ્રશ્નોને વાચા આપશે તેવી વ્યવસ્થા ગોઠવવાનું ચીફ જસ્ટીસનું પગલું પ્રશંસનીય છે. વધુમાં, કેદીઓ માટે જે નવું સોફ્ટવેર લોન્ચ કરાયેલ છે તે પ્રત્યેક કેદી ભાઇ-બહેનોને મદદરૂપ થશે તથા તે માટે તૈયાર કરેલ ફોર્મ ભરવામાં આવશે અને તેની ડેટા એન્ટ્રી કર્યા બાદ કેદીઓના કુટુંબીજનોને તેના કેસની નિયમીત જાણ થશે, જેનો કેદીઓને યોગ્ય લાભ લેવા પણ જસ્ટિસ એમ.આર.શાહે અનુરોધ કર્યો હતો. દરમ્યાન આજે હાઈકોર્ટના આઇ.ટી.સેલ દ્વારા, કાનૂની સેવા સત્તા મંડળ ના સક્રિય પરામર્શથી રાજ્યની તમામ જેલોના કેદીઓના કુટુંબની વિગતોના ડેટા એન્ટ્રી માટેનું એક સોફ્ટવેર, કેદી માહિતી મોડ્યુલ (પ્રિઝનર ઇન્ફોર્મેશન મોડયુલ(પીએઆઇએમ)) પણ શરૂ કરવામાં આવ્યું હતું.

            આ મોડ્યુલ હાઈકોર્ટના ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ (ડીજેડીજી) સાથે એકીકૃત છે, જ્યાંથી તે કાચા કામના કેદીઓ (યુટીપી)-સજા પામેલા કેદીઓના કેસોની વિગતો આપમેળે મેળવશે આ સોફ્ટવેર સદર કેદીઓના હાઇકોર્ટમાં ચાલતા કેસોને ડિસ્ટ્રિક્ટ કોર્ટના કેસો સાથે મેપીંગ કરવાની કાર્યક્ષમતા પણ ધરાવે છે. આ મોડ્યુલમાં કેદીના પરિવારના સભ્યોની ઇમેઇલ સરનામાં તેમજ મોબાઇલ નંબર સાથેની વિગતો અપડેટ કરવામાં આવશે, જેથી તેઓને હાઈકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટના કેસો બાબતે જરૂરી કોઝ લિસ્ટ તથા  ઓર્ડર/જજમેન્ટ સહિતની માહિતી આપમેળે મળી રહેશે. દરમ્યાન હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી વિક્રમ નાથે ભારત સરકારના સ્વચ્છતા અભિયાનની જેમ હાલનો કાર્યક્રમ મહિલા કેદીઓના સ્વાથ્ય સાથે સંકળાયેલ છે, જેથી તેનો લાભ લેવા જણાવ્યું હતું. તેમણે આજે લોન્ચ કરાયેલ સોફ્ટવેરની મદદથી કેદીઓના કુટુંબીજનોને સરકારશ્રીની મળવાપાત્ર યોજનાઓનો લાભ યોગ્ય રીતે આપી શકાશે. ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, સ્ત્રીઓને કુદરતી કારણોસર ભોગવવી પડતી તક્લીફો દૂર કરવા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરેલ વ્યસ્થા અત્યંત ઉપયોગી થશે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી એમ.આર. શાહે ક્લિનીકની મુલાકાત લીધી અને કઇ રીતે વધુ સારી સહાય પુરી પાડી શકાય તે બાબતે માર્ગદર્શન આપેલ તથા સ્વાવલંબન કેન્દ્ર સારી રીતે ચાલે તે માટે જરૂરી સૂચનો કર્યા તે આવકાર્ય છે.

(9:45 pm IST)
  • દેશની 49 હસ્તીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર વકીલના નિશાના પર છે મુખ્યમંત્રી કેજરીવાલ અને ઇમરાનખાન : વકીલ સુધીરકુમાર ઓઝાએ વડાપ્રધાન મોદીના નામ પર ખુલ્લો પત્ર લખનાર 49 હસ્તીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવી છે : 1996થી અત્યાર સુધીમાં 745 પીઆઈએલ દાખલ કરાવનાર વકીલ સુધીર ઓઝા હવે કેજરીવાલે આરોગ્ય સબંધે કરેલ ટિપ્પણી અને યુનોમાં ઇમરાને કરેલ ભાષણ સામે મોરચો ખોલશે access_time 1:05 am IST

  • લખનૌ-આગ્રા એક્સપ્રેસ -વે પર ઉભેલી ટ્રક પાછળ કાર ટકરાતા ભાજપના ધારાસભ્યના ભાઈ-બહેન અને બે ભાણેજના કરૂણમોત : એક ગંભીર: ઉન્નાવ જિલ્લાના હ્સનગંજ ક્ષેત્રમાં ગમખ્વાર અકસ્માત માં ગોઉંડા જિલ્લાના મેહનોં વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય વિનય દ્વિવેદીના પિતરાઈ ભાઈ બહેન અને બે ભાણેજોના કરૂણમોત access_time 1:04 am IST

  • હેગીબસ વાવાઝોડુ મજબૂત બન્યુ : આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભયઃ આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપર ત્રાટકશેઃ 'હેગીબસ' મજબૂત બની ટાયકૂન વાવાઝોડામાં ફેરવાયુ છે અને આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપરથી પસાર થશે અને આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભય હોવાનું વિદેશના જાણીતા ખાનગી વેધર એનાલીસ્ટ જણાવે છે access_time 11:25 am IST