Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ભરૂચના ગોલ્ડન બ્રીજ પર નર્મદા નદીએ ત્રીજીવાર ભયજનક સપાટી વટાવી

ત્રણ વર્ષથી નર્મદા નદીને લોકોએ બે કાંઠે વહેતી જોઇ ન હતી.: છેલ્લા 28 દિવસમાં ત્રીજીવાર ભયજનક બની

ભરૂચના ગોલ્ડન બ્રીજ ખાતે નર્મદા નદીએ તેની ભયજનક 24 ફૂટની સપાટીને ત્રણવાર વટાવી છે.  સવારે 9 વાગ્યે નદીની મહત્તમ સપાટી 25.25 ફૂટ એટલે કે ભયજનક સપાટીથી સવા ફૂટ વધુ રહી હતી. જોકે વહિવટી તંત્ર દ્વારા ડેમમાંથી પાણી છોડાવાનું હોઇ કાંઠા વિસ્તારના 20 ગામોને પહેલેથી જ સાબદાં કર્યાં હતાં.

 

નર્મદા નદીમાં છેલ્લાં ત્રણ વર્ષથી ડેમમાંથી પાણી નહીં છોડાતાં ચોમાસામાં પણ નદી સુકાયેલી જોવા મળી રહી હતી. ડેમમાં દરવાજા લાગ્યા બાદ ડેમમાંથી નર્મદા નદીમાં પાણી નહીં છોડાતાં ત્રણ વર્ષથી નર્મદા નદીને લોકોએ બે કાંઠે વહેતી જોઇ ન હતી. જ્યારે આ વર્ષે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસવાને કારણે ડેમની સપાટીમાં જોતજોતામાં વધારો થઇ રહ્યો હતો. જેના પગલે ગત 9મી ઓગષ્ટે ડેમના 23 દરવાજા ખોલી 6 લાખ ક્યૂસેક પાણી નદીમાં ઠાલવવામાં આવતાં ભરૂચમાં ગોલ્ડન બ્રીજ ખાતે જળસ્તર 28.54 ફૂટે પહોંચી ગયું હતું.

જે બાદથી ડેમમાંથી સતત ઓછવધતા પ્રમાણમાં પાણી છોડાઇ રહ્યું છે. ત્યારે ગઇકાલે નર્મદા નિગમ દ્વારા પુન: ડેમના 21 દરવાજા ખોલી નર્મદા નદીમાં 4.64 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતાં નદીની સપાટીમાં પુન: વધારો થયો હતો. જેના પગલે ગોલ્ડન બ્રીજ ખાતે નર્મદા નદી તેની ભયજનક 24 ફૂટની સપાટી વટાવી 25.25 ફૂટે વહી રહી હતી.

(12:10 am IST)