Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ગણેશ વિસર્જન વેળા ડૂબવાથી છ શ્રદ્ધાળુના થયેલા કરૂણ મોત

રાજયમાં અલગ અલગ બનાવમાં પાંચ લાપતા :ગાંધીનગરના ભાટ ગામે બે સગાભાઇઓના ડૂબી જવાથી મોત : જૂનાગઢના દામોદર કુંડ ખાતે ડૂબવાથી એકનું મોત

અમદાવાદ, તા.૭ : હાલ રાજ્યભરમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, જેને પગલે વિવિધ પંડાલો દ્વારા ગણપતિ વિસર્જન પણ શરૂ થઇ ગયુ છે. આ વિસર્જન દરમ્યાન શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી રહી છે, તો બીજી તરફ ગણેશ વિસર્જનની સાથે સાથે કરૂણાંતિકાઓ પણ થઈ રહી છે. રાજ્યમાં ગણેશ વિસર્જન દરમ્યાન અલગ-અલગ ઘટનાઓમાં ડૂબી જવાથી છ વ્યકિતઓના કરૂણ મોત નીપજયા હતા. ત્યારે અન્ય પાંચથી વધુ લાપતા બન્યા છે. ગાંધીનગરના ભાટ ગામે બે સગાભાઇઓના ડૂબી જવાથી કરૂણ મોત નીપજયા હતા અને જૂનાગઢના દામોદર કુંડમાં પણ ડૂબવાથી એકનું મોત નીપજયુ હતું. ધનસુરા તાલુકાના ખડોલ ગામે ગઇકાલે એક દર્દનાક ઘટના બની હતી. જેમાં કેશરપુરાના યુવાનો ગણેશ વિસર્જન કરવા નદીમાં ગયા હતા તે  દરમ્યાન સાત યુવાનો તણાયા હતા. જેમાંથી સ્થાનિક તરવૈયાઓએ બે યુવાનોના મૃતદેહ શોધી કાઢ્યા હતા. જ્યારે એકને બચાવી લેવામાં આવ્યો હતો અને ચારની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના અંગે વાયુવેગે સમાચાર પ્રસરી જતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સાથે વહીવટી તંત્રને જાણ કરાતાં મોડાસા તેમજ બાયડથી ફાયર ફાઈટરોની ટીમો દોડી પહોંચી હતી. દરમ્યાન ગાંધીનગર નજીક આવેલા ભાટ પાસે નદીમાં ગણેશ વિસર્જન સમયે ડૂબી જતા બે સગા ભાઈઓના મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઓઢવ ખાતે રહેતો પરિવાર ઘરે ગણેશ વિસર્જન કરવા ગયો હતો. આ દરમ્યાન બે સગા ભાઈઓ અક્ષય શૈલેષભાઈ વાઘેલા (ઉ.વ.૨૫ વર્ષ) અને ધવલ  વાઘેલા (ઉ.વ.૨૨ વર્ષ)માંથી એક ભાઈ ડૂબવા લાગતા તેને બચાવવા બીજો ભાઈ પણ પાણીમાં કૂદયો હતો. જેમાં બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાને પગલે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ બંનેને શોધી કાઢ્યા હતા અને બહાર કાઢ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં બંનેના મોત થઈ ગયા હતા. બંને સગા ભાઇઓના મોતને લઇ ઓઢવ વિસ્તારમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ હતી. જૂનાગઢમાં ગણેશ વિસર્જન બાદ દામોદર કુંડ ખાતે ન્હાવા ગયેલા એક તરૂણનું ડૂબી જતા મોત થયું હતું. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતો મયુર લક્ષ્મણ (ઉ.વ.૧૭) નામનો તરૂણ આજે ભરડાવાવ વિસ્તારમાં રહેતા મામાને ત્યાં ગયો હતો ત્યાંથી ગણેશ વિસર્જન માટે ભવનાથ ગયો હતો. ગણેશ વિસર્જન બાદ દામોદર કુંડનાં ન્હાવા પડતા તે ડૂબી ગયો હતા, મૃતદેહ મળતા ગમગીની વ્યાપી હતી.

(9:59 pm IST)