Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

અમદાવાદ : ચાર દુર્ઘટનામાં ૧૦થી વધુ લોકોના મોત થયા

મકાન, ટાંકી, દિવાલ ધરાશાયી થવાના બનાવો

અમદાવાદ,તા.૭ : અમદાવાદમાં જર્જરીત અને ભયજનક મકાન અંગે તંત્રની બેદરકારીના લીધે સામાન્ય, ગરીબ પરિવારો માટે આવા મકાનો મોતના અંતિમ સ્થાન બની રહ્યા છે ત્યારે, અમદાવાદમાં છેલ્લા એક મહિનામા ચાર દુર્ઘટનામાં ૧૦ વ્યક્તિના જાન ગુમાવ્યા છતાં ભાજપના ભ્રષ્ટ શાસકો 'સબસલામત'ની ગુલબાંગો પોકારી ને તપાસના નામે હકીકતો છુપાવી રહ્યા છે. અમરાઈવાડી દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારોની ૪૮ કલાક વીતી ગયા છતાં મેયર કમિશ્નરે મુલાકાત લીધી નથી, ભાજપા શાસકની અસંવેદનશીલતા પર આકરા પ્રહારો કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં એક જ મહિનામાં દુર્ઘટનાઓના ચાર બનાવોમાં ૧૦ લોકોનાં મોત નિપજ્યા છે, અમદાવાદના બોપલમાં જ બે મોટી દુર્ધટના બની હતી. જેમાં સાત લોકોનાં મોત નિપજ્યા હતા. તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલમાં નિર્માણાધીન ટાંકી અને અમરાઈવાડીમાં જૂનું મકાન ધરાશાયી થયું હતું. આ દુર્ઘટતાઓમાં અમદાવાદ કોર્પોરેશનની ઘોર બેદરકારી પણ સામે આવી રહી છે. વારંવાર બનતી દુર્ઘટનાઓ બાદ પણ અમદાવાદ કોર્પોરેશન ઊઘતુ જ ઝડપાઈ છે. અને દુર્ઘટનાઓ સર્જાઈ ગયા બાદ તે એક્શન મોડમાં આવી રહ્યાનો દેખાવ કરવામાં આવે છે.

*૫ સપ્ટેમ્બર, ૨૦૧૯   અમરાઈવાડીમાં જૂનું મકાન ધરાશાયી થતાં ત્રણનાં મોત, ૧૦-ઘાયલ

*૧૯ ઓગસ્ટ, ૨૦૧૯   નિકોલમાં પાણીની ટાંકી ધરાશાયી, ૧૨ લોકો ઘાયલ

*૧૨ ઓગસ્ટ, ૨૦૧૯   બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી, ૩ લોકોનાં મોત, ૧૫ ઘાયલ

*૧૦ ઓગસ્ટ, ૨૦૧૯   બોપલ દિવાલ ધરાશાયી, ૪ લોકોનાં મોત, ૭ ઘાયલ

(9:49 pm IST)