Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ધનજી ઉર્ફે ઢબુડીની આગોતરા જામીન અરજીને અંતે ફગાવાઈ

ધનજીના આગોતરા જામીન ફગાવાતાં મોટો ફટકો : કેસની તપાસ હજુ ચાલુ છે અને નાજુક ચરણમાં છે ત્યારે આરોપીને આગોતરા જામીન આપી શકાય નહી : અદાલત

અમદાવાદ,તા.૭ : ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માને ગાંધીનગરની કોર્ટે આજે મોટો ઝટકો આપ્યો હતો. કોર્ટે આરોપી ધનજી ઓડ ઉર્ફે ઢબુડીની આગોતરા જામીન અરજી આજે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, કેસની તપાસ હજુ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે ત્યારે આરોપીને હાલના તબક્કે આગોતરા જામીન આપી શકાય નહી. ધર્મની આડમાં ભકતોની આસ્થા અને ધાર્મિક શ્રધ્ધાને ઠેસ પહોંચાડી છેતરવા બદલ પેથાપુરમાં થયેલ પોલીસ ફરિયાદને પગલે સંભવિત ધરપકડથી બચવા આરોપી ધનજી ઓડ ઉર્ફે ઢબુડીએ ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી, જેનો ચુકાદો આજે જાહેર કરી કોર્ટે તેના આગોતરા જામીન આકરા વલણ સાથે ફગાવી દઇ તેના આગોતરા જામીન મંજૂર કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. ધનજી ઓડ ઉર્ફે ઢબુડીને લઇને એક પછી એક ખુલાસોઓ સામે આવી રહ્યા હતા ત્યારે વિજ્ઞાનજાથાવાળા ઢોંગી ઢબુડીના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે પેથાપુરમાં નોંધાયેલી ફરિયાદના કારણે ગમે ત્યારે ધનજી ઓડની ધરપકડ થઇ શકવાની દહેશત હોવાના કારણે ઢોંગી ઠબુડીના અગોતરા જામીન અરજી કરી હતી.

           ધનજી ઓડ ઉર્ફે ઢબુડીની આગોતરા જામીનઅરજી મામલે ગાંધીનગર કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં બંને પક્ષોની દલીલોને અંતે કોર્ટે શનિવારે ચુકાદો અનામત રાખ્યો હતો. ધનજી ઓડના વકીલ દ્વારા શુક્રવારે તેના બચાવમાં કોર્ટમા અનેક દલીલ કરાઇ હતી. તો બીજી બાજુ પેથાપુર પોલીસે ધનજી વિરુદ્ધ થયેલ અરજી મામલે એફિડેવિટ રજૂ કર્યુ હતું. સરકારી વકીલ તરફથી દલીલ કરાઈ હતી કે, ધનજી ઓડે છેલ્લાં ચાર-પાંચ વર્ષથી જોગણી માતાના ભૂવા તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી, પછી ઢબુડી માતાજી તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી ખોટો ભ્રામક પ્રચાર કરી બિમાર તેમજ દુખિયારા લોકોને બાધાઓ આપી વચનોમાં બાંધીને તેઓ અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે. જેને કારણે અરજદાર પોતે પણ તેનો ભોગ બન્યા છે. આ અરજી મુદ્દે રૂપાલ, ચાંદખેડા સહિતના સ્થળે તપાસ કરતાં ધનજી ઓડ મળી આવ્યા નથી. પોલીસની તપાસ આ કેસમાં હજુ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે ત્યારે કોર્ટે આરોપીને કોઇપણ સંજોગોમાં આગોતરા જામીન આપવા જોઇએ નહી. ગાંધીનગર કોર્ટે પણ સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ધનજી ઓડની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. જેને પગલે હવે ધનજી ઓડ ઉર્ફે ઢબુડીને ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવી પડશે.

ધનજી ઉર્ફે ઢબુડીનો શું છે સમગ્ર મામલો.......

અમદાવાદ, તા. ૭ : ધનજી ઓડ સામે બોટાદના રહેવાસી ભીખાભાઈએ એક અરજી કરી હતી અને જેમાં તેના પુત્રનો મોત પાછળ ધનજીને જવાબદાર ઠેરવ્યો હતો. ભીખાભાઈનો આક્ષેપ કર્યો હતો કે, ધનજીએ તેમને દવા બંધ કરી દેવાની સલાહ આપી હતી અને જેનાથી તેમના પુત્રનું મોત થયું છે. તેને લઈ પેથાપુર પોલીસે તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે ધનજી છેલ્લા પાંચ વર્ષથી રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ ગાદી ભરતો હતો અને પોતે ઢબુડી માતા છે અને લોકોના દુઃખ દૂર કરવાનો દાવો કરતો હતો. જો કે ઢબુડીના ધતિંગનો પર્દાફાશ થતા તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને હવે તો ગાંધીનગર કોર્ટે પણ તેની આગોતરા જામીન અરજી ફગાવી દેતાં તેની મુશ્કેલીમાં વધારો થયો છે.

(8:35 pm IST)