Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

રાજ્યભરમાં કોંગો ફિવરથી હજુ સુધી પાંચના થયેલા મોત

શકમંદ દર્દીઓ ઉપર પણ તંત્રની ચાંપતી નજર : નવ કેસો કોંગો ફિવરના સપાટી પર : એકને સ્વસ્થ થયા બાદ રજા આપી દેવાઈ : ૩ દર્દી હજુ પણ સારવાર હેઠળ

અમદાવાદ, તા. ૭ : અમદાવાદ સહિત રાજ્યમાં કોંગો ફિવરને લઇને ભારે દહેશત ફેલાયેલી છે. શહેરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકના મોતના કારણે વધારે દહેશત ફેલાઈ ગઈ છે. કોંગો ફિવરના લીધે છેલ્લા ૧૫ દિવસના ગાળામાં પાંચ લોકોના મોત થઇ ચુક્યા છે. છેલ્લા ૧૫ દિવસમાં આ વાયરસથી પાંચ લોકોના મોત થતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના એક ગામની નજીક ફેક્ટ્રીમાં કામ કરનાર ૨૦ વર્ષના યુવકને કોંગો ફિવર થયાના અહેવાલને સમર્થન મળ્યા બાદ આ યુવકને સારવાર માટે અમદાવાદની કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થતાં તંત્ર પણ દોડતું થઇ ગયું છે. રાજ્યમાં આ વાયરસના કારણે છેલ્લા ૧૫ દિવસમાં જ નવ દર્દીઓને સમર્થન મળી ચુક્યું છે. આમાથી એકને સ્વસ્થ થયા બાદ રજા પણ આપી દેવામાં આવી છે જ્યારે ત્રણ હજુ પણ સારવાર હેઠળ છે. વાયરસગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવનાર લોકોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

         આ કામગીરીમાં આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા સંયુક્તરીતે પગલા લેવાઈ રહ્યા છે. બંને વિભાગો દ્વારા શકમંદ દર્દીઓ ઉપર ચાંપતી નજર પણ રાખવામાં આવી રહી છે. વરસાદી સિઝનમાં કોંગો ફિવરે ફરી એકવાર દહેશત ફેલાવી દીધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે. બંને વિભાગો તરફથી સિઝનલ રોગચાળાને રોકવા માટે પણ પગલા લેવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના નવા કેસો સપાટી પર આવ્યા છે. તંત્ર દ્વારા જુદા જુદા વિસ્તારમાં રોગચાળાને રોકવા માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હોવા છતાં સાદા મેલેરિયાના ઓગસ્ટ મહિનામાં ૭૨૧ કેસ નોંધાયા છે જ્યારે ઝેરી મેલેરિયાના ૩૨ અને ડેંગ્યુના ૧૯૯ કેસો સપાટી ઉપર આવ્યા છે. ઝાડાઉલ્ટીના ૫૪૩ કેસો સપાટી ઉપર આવી ચુક્યા છે. કમળાના ૩૫૩ અને ટાઇફોઇડના ૬૦૦ કેસ નોંધાઈ ચુક્યા છે. હાલમાં પડેલા હળવા વરસાદના કારણે જુદા જુદા ક્ષેત્રોમાં ગંદગી અને કાદવ-કીચડના પરિણામ સ્વરુપે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં વધારો થયો છે. ઓગસ્ટ માસના ગાળામાં ઝાડા ઉલ્ટીના ૫૪૩ કેસ નોંધાઈ ચુક્યા છે. અલબત્ત કોલેરાના કેસોને રોકવામાં તંત્ર સફળ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે મોટાપાયે વિવિધ વિસ્તારોમાં ક્લોરિન ગોળીઓનું વિતરણ કર્યું છે.

(8:34 pm IST)