Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વાત્રક નદીમાં ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા ૭ યુવકો ડુબ્યાઃ એકનો બચાવ

અરવલ્લી :અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં વાત્રક નદીમાં ગણપતિ વિસર્જન કરતા ગયેલા 7 યુવકો ડૂબ્યા હતા. જેમાંથી માત્ર એક યુવકને જ જીવતો બચાવી શકાયો હતો. બાકીના 6 યુવકો વાત્રક નદીમાં ડૂબ્યા હતા. યુવાનોની બચાવ કામગીરીમાં એનડીઆરએફની ટીમ પણ જોડાઈ હતી. ઘટનાને પગલે અરવલ્લી કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તો બીજી તરફ, યુવાનોના મોતથી કેસરપુરા પંથકમાં શોકનો માહોલ છવાયો છે. જે યુવકો ડૂબ્યા હતા, તેમના સ્વજનોના આક્રંદથી માહોલ વધુ ગમગીન બન્યો હતો. બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ ઘટનાસ્થળે પહોંચીને પરિવારજનોને સાંત્વના આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે ગણેશોત્સવનો પાંચમો દિવસ હોઈ દેશભરમાં ગણપતિ વિસર્જન કરાયા હતા. અરવલ્લીના ધનસુરા તાલુકાના ખડોલ ગામ પાસે વિસર્જનનો સમય દુખદ બની રહ્યો હતો. શુક્રવારે બપોરે કેસરપુરા ગામના યુવાનો ગણપતિ લઈને વિસર્જન કરવા માટે વાત્રક નદીના પટમાં પહોંચ્યા હતા. પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વાત્રક નદીમાં પાણીનો પ્રવાહ વેગીલો બન્યો હતો. આવામાં ગણપતિ વિસર્જન કરતા સમયે સાત યુવકો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા. જેને કારણે સ્થાનિક લોકો તેમને બચાવવા માટે નદીમાં કૂદ્યા હતા. જેમાં એક યુવકને બચાવી શકાયો હતો. પરંતુ છ યુવકો ગામ લોકોની નજર સામે નદીમાં તણાયા હતા. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચીને યુવાનોની શોધખોળ હાથ ધરાઈ હતી. જેમાં બે યુવકોના મૃતદેહ મળ્યા હતા. પરંતુ ચાર યુવકો હજી શોધી શકાયા નથી.

આ ઘટનામાં લાલભાઈ જયંતીભાઈ, ગોપાલ નટુભાઈ, અશોકભાઈ કેશભાઈ, ભાવેશ સુરેશભાઈ અને કનુભાઈ માલભાઈ નામના યુવકો નદીમાં તણાયા છે. જેમનો મૃતદેહ શોધવામાં આવી રહ્યો છે.

(5:23 pm IST)