Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ખંભાત શહેરમાં જૈન દેરાસરને નિશાન બનાવી 3 પંચધાતુની મૂર્તિની ચોરી થતા ચકચાર: અમરેલીના શખ્સની ધરપકડ થતા વધુ તપાસ હાથ ધરવામાં આવી

ખંભાત: શહેરના માણેકચોક ખાતે આવેલા જૈન દેરાસર અને જીનાલયમાંથી પાંચેક દિવસ પહેલાં પંચધાતુની નાની-મોટી ત્રણ જેટલી મૂર્તિઓ ચોરી કરી જનાર અમરેલીના શખ્સને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર માણેકચોક વિસ્તારમાં મોટા આદિસર જૈન મંદિર તેમજ તેની બાજુમાં ચિંતામણી પાશ્વનાર્થ જૈન જીનાલય આવેલા છે જેમાં ગત ૧લી તારીખના રોજ સવારના આઠથી નવની વચ્ચેમાં કોઈ શખ્સે પ્રવેશ કરીને બે નાની ભગવાનની તેમજ એક મોટી પંચધાતુની મૂર્તિઓ કે જેની કિંમત ૧.૮૫ લાખની થવા જાય છે તેની ચોરી થવા પામી હતી. આ અંગે આજે પ્રકાશભાઈ ચીમનભાઈ પટવાએ ખંભાત શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરતાં એક શખ્સ પૂજાના પહેરવેશમાં આવીને આ મૂર્તિઓ ચોરી કરતો માલુમ પડ્યું હતુ. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરતાં તે અમરેલી ખાતે રહેતો મહેશભાઈ નેમીચંદભાઈ જૈન હોવાનું ખુલવા પામતાં જ પોલીસની એક ટીમ અમરેલી ખાતે પહોંચી ગઈ હતી અને મહેશભાઈને ઝડપી પાડીને તપાસ હાથ ધરવામાં આવી છે.

(5:16 pm IST)