Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

પ૦ ચો.મી.થી મોટા પંડાલ, મંડપમાં હવે ફાયર સેફટીના સાધનો ફરજિયાત

નવી નીતિનો અમલ કરવા મ્યુનિ.ને તાકીદ : આ નિયમ લગ્ન સહિતના સમારંભમાં લાગુ થશે કે કેમ તે અંગે પરિપત્રમાં સ્પષ્ટતા નહીં

અમદાવાદ, તા. ૭ : સુરતના ટયુશન કલાસીસમાં બનેલી આગ લાગવાની ઘટના પછી રાજય સરકારે ફાયર સેફટી અંગેના નવા નિયમો જાહેર કર્યા છે. તે મુજબ હવે પછી પ૦ ચો.મી.થી મોટા પંડાલ, એકિઝબિશન, સમારંભ, રેસ્ટોરા અને હોટલમાં ફાયર સેફટીના સાધનો ફરજિયાત કરાતા હવે પછી સમારંભ અને એકિઝબિશન મોંઘા પડશે.

ફાયર સેફટીના નવા નિયમ મુજબ પ૦ ચો.મી.ના પંડાલથી લઇને એક રૂમમાં ચાલતી રેસ્ટોરાં હોય કે મોટું બિલ્ડીંગ હોય કે ઇન્ડસ્ટ્રીઝ, ફાયર સેફટીના સાધનો ફરજિયાત છે, તેના માટે ફાયર કન્સલ્ટન્ટની નિમણૂંક કરીને ફાયરના સાધનો મૂકવા પડશે. ત્યારબાદ ફાયર વિભાગનું એનઓસી લેવું પડશે, જે દર વર્ષે રિન્યુ કરાવવું પડશે. જો તે રિન્યુ નહીં થાય તો મિલકત સીલ કરાશે.

રાજય સરકારે કોમન જીડીસીઆરના ભાગ-૧ પ્રોસિજર રેગ્યુલેશનના શેડયૂલ-૧માં ફેરફાર કર્યો છે, તેમાં કોઇ પણ સાઇઝના રેસ્ટોરાં, હોટલ, મોટેલ, પ્રી-સ્કૂલ, ટયુશન કલાસ, એજયુકેશન સંસ્થા, પંડાલ અને ૧પ મીટરથી મોટા બિલ્ડીંગ માટે ફાયર સેફટી ફરજિયાત કરી છે, સાથે સાથે સુરતની ઘટનામાં હોર્ડીંગ્સ પણ જવાબદાર હોવાથી તેના નિયમમાં પણ ફેરફાર કરાયા છે તે મુજબ મિલકતની દિવાલ પર લગાવવામાં આવેલા હોર્ડીંગ્સ લિન્ટલ લેવલ અને ઉપરના માળના ફલોર લેવલ સુધી લગાવી શકાશે.

નવી નીતિ મુજબ ૧પ મીટરથી ઉંચા રહેણાંક, કોમર્શીયલ બિલ્ડીંગ અને ધર્મશાળા, હોસ્પિટલ, હોસ્ટેલ, ટ્રેનીંગ સેન્ટર, ફિટનેસ સેન્ટર, કોલ સેન્ટર, કોમ્યુનિટી હોલ, બેન્કવેટ હોલ, ટાઉન હોલ, કન્વેન્શન સેન્ટર, ઓડિટોરિયમ, પ્લેનેટોરિયમ, સ્ટેડિયમ, મ્યુઝીયમ, એકિઝબિશન હોલ, થિયેટર, સિનેમા, મલ્ટિપ્લેકસ, ડ્રાઇવ-ઇન સિનેમા અને કોઇ પણ જાતની એજયુકેશન સંસ્થાને નવા સેફટી નિયમો લાગુ પડશે.

રાજય સરકારે તાકીદની અસરથી અમદાવાદ સહિત તમામ મહાનગરપાલિકાને તેનો અમલ કરવા આદેશ કર્યો છે. લગ્ન, દુઃખદ પ્રસંગ, નવરાત્રી અને ગણપતિ ઉત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમમાં આ નિયમ લાગુ પડશે કે નહીં તો બાબતે પરિપત્રમાં કોઇ સ્પષ્ટતા કરાઇ નથી.

(3:44 pm IST)