Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

અમરેલીની સાંતલી સિંચાઇ યોજના તાત્કાલીક પુર્ણ કરવા રજૂઆત

વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવતા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી

અમરેલી તા.૭ : અમરેલી જીલ્લાની સાંતલી સિંચાઇ યોજના તાત્કાલીક પુર્ણ કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ, મુખ્ય સચિવ શ્રીને વિધાનસભા વિરોધપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીએ પત્ર પાઠવીને માંગણી કરી છે.

પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્યુ છે કે, અમરેલી તાલુકાના બાબાપુર ગામ પાસે સાંતલી નદી ઉપર સાંતલી સિંચાઇ યોજના તળે બંધ બાંધવા માટે સને ૨૦૧૨માં ભાવનગર સિંચાઇ યોજના વર્તુળ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને આ યોજનામાં ડૂબ વિસ્તાર ડેમ લાઇન તેમજ ટેઇલ ચેનલમાં સમાવિષ્ટ ગામો પાણીયા, બાબાપુર, ટીંબલા, જાળીયા તથા ભંડારીયાની કુલ ખેતીલાયક ૯૮૫ હેકટર ખાનગી જમીનો ખાતેદારો આપવા સંમત થયેલ. બાદ સમગ્ર વહીવટી પ્રક્રિયા પુર્ણ કરી વર્તુળ કચેરી મારફત સરકારશ્રીમાં દરખાસ્ત કરેલ જેના સંદર્ભમાં સરકારશ્રીના પત્ર ક્રમાંક બીઆઇપી ૨૦૦૯-૨૮૬૨(૬૯)ક-ર તા.૮-૮-૨૦૧૨ થી આ યોજના મંજુર કરી રૂ.૩૧૯.૭૬ કરોડની વહીવટી મંજુરી આપેલ બાદ નવો જમીન સંપાદન કાયદો ૨૦૧૩માં અમલમાં આવતા આ યોજનાની સુધારેલી દરખાસ્તને સરકારશ્રીએ તા.૪-૧૦-૨૦૧૭ થી ૭૧૩.૦૮ કરોડ વહીવટી મંજુરી આપેલ. ફરી સરકારશ્રીના તા. ૨૬-૧૨-૨૦૧૭ના પત્રથી સુધારેલ વહીવટી મંજૂરીની દરખાસ્તને રૂ.૧૧૦૦ કરોડની રકમ મંજૂર કરી સૈધ્ધાંતીક યોજનાની મંજુરી આપેલ.

જળસિંચાઇ વિભાગ દ્વારા સાંતલી સિંચાઇ યોજના માટે જમીનો સંપાદન કરવા નાયબ કલેકટર (જ.સં) અને પુનઃ વસવાટ (સિંચાઇ) જૂનાગઢને તા.૧૫ -૧-૨૦૧૯થી દરખાસ્ત કરેલ પરંતુ આ જગ્યા સરકારશ્રીના તા.૧૫-૩-૨૦૧૮ થી રદ કરેલ હોઇ સદર દરખાસ્ત તેઓશ્રીએ પરત કરેલ જેના કારણે સંપાદનની કાર્યવાહી અટકી પડેલ ત્યારબાદ આ યોજના અમરેલી જિલ્લાની હોય જેથી અમરેલી કલેકટરશ્રીના તાબા હેઠળના નાયબ કલેકટરશ્રીને જમીન સંપાદનની કાર્યવાહી સોપવા વર્તુળ કચેરી દ્વારા તા.૧૨-૯-૨૦૧૮ પત્રથી નાયબ સચિવશ્રી (વસુલાત) ન.જ.સં.પા.પુ અને ક.વિભાગ ગાંધીનગરને દરખાસ્ત કરેલ અને સરકારશ્રીના મહેસુલ વિભાગના પરામર્શમાં રહીને નાયબ કલેકટરશ્રી અમરેલીને આ યોજના માટે જમીન સંપાદનની કાર્યવાહી કરવા નિમણુંક કરવા દરખાસ્ત કરેલ છે. ફરી કા.ઇ.શ્રી જળસિંચન વિભાગ અમરેલી દ્વારા તા.૩૧-૭-૨૦૧૯ના પત્રથી પણ જમીન સંપાદનની કાર્યવાહી માટે નાયબ કલેકટરશ્રી અમરેલીની નિમણુંક કરવા દરખાસ્ત કરેલ છે.

સને ૨૦૧૨થી જિલ્લાની ખૂબ જ મહત્વની કહી શકાય તેવી સાંતલી સિંચાઇ યોજનાને સરકારશ્રીએ રૂ.૧૧૦૦ કરોડની રકમ મંજુર કરી સૈધ્ધાંતીક મંજૂરી આપેલ અને આ યોજનામાં સંપાદિત થનાર ૯૮૫ હેકટર જમીનો ખાનગી ખાતેદારો આપવા સંમત થયેલ તેમ છતા પણ સને ૨૦૧૨થી આજદિન સુધી માત્ર જમીન સંપાદન અધિકારીના કારણે સંપાદનની પ્રક્રિયા બાકી રહેલ છે અને આટલો લાંબો સમય થવા છતા પણ આવી મહત્વની સિંચાઇ યોજના માટે કોઇ અસરકારક કામગીરી સરકારશ્રીના મહેસુલ અને જળ સંપતી વિભાગ વચ્ચેના સંકલનના કારણે અટકી પડેલ છે. આ યોજના અમરેલી તાલુકા ઉપરાંત સમગ્ર જિલ્લા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે, તમામ ગામોને ખેતીના હેતુ માટે સિંચાઇનું પાણી મળી રહે તેમજ પાણીના તળ ઉંચા આવશે અને કાયમી ધોરણે પાણીનો પ્રશ્ન હલ થશે અને ખેડૂતોને પોતાની જમીનમાંથી કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થશે.

સરકારશ્રી કક્ષાએથી સાંતલી સિંચાઇ યોજના માટે ગંભીરતાપુર્વક વિચારણા કરી મહેસુલ વિભાગના પરામર્શમાં રહીને તુરંત જ અમરેલી જિલ્લાના નાયબ કલેકટરશ્રીને જમીન સંપાદનની કામગીરી સોપવી અને યોજનાના કામે સંપાદન કરવાની થતી ૯૮૫ હેકટર જમીનો સંપાદનની કાર્યવાહી સમય મર્યાદામાં પુર્ણ કરી આ યોજના વહેલીમાં વહેલી તકે પુર્ણ થાય અને જિલ્લાના તમામ ખાતેદારોને આ યોજનાનો લાભ મળી રહે તે બાબતે તુર્ત જ કાર્યવાહી કરવા અંતમાં પરેશભાઇ ધાનાણીએ માંગણી કરી છે.

(11:19 am IST)