Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

આ વર્ષે એક પણ ખેડૂત વીજ કનેક્શન વગર નહીં રહે.:મુખ્યમંત્રી રૂપાણીની મોટી જાહેરાત

9મી એગ્રી એશિયા સમિટનું ગાંધીનગરમાં આયોજન : કેન્દ્રીય કૃષિમંત્રી સહિતના ઉપસ્થિત : દેશ વિદેશની 200 કંપનીઓ જોડાઈ

ગાંધીનગર :9મી એગ્રી એશિયા સમિટ 2019નું ગાંધીનગરમાં આયોજન થયું હતું. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી, કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સહિત અનેક ખેડૂતો હાજર રહ્યાં હતાં. 200થી વધુ કંપની ભાગ લઈ રહી છે. જેમાં દેશ અને વિદેશની કંપનીઓ પણ છે.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ વર્ષે એક પણ ખેડૂત વીજ કનેક્શન વગર નહીં રહે. આ સાથે જ મગફળી અને કપાસની ખરીદી સરકાર ટેકાના ભાવે કરશે. મુખ્યમંત્રીએ નવમું એશિયા એગ્રી એક્ઝિબિશન ખુલ્લું મુક્યું. આ દરમિયાન વિજયભાઈ રૂપાણીએ  સંબોધનમાં નર્મદાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

 મુખ્યમંત્રીએ   કહ્યું કે નર્મદા ડેમ 138 મીટર ભરવાનો છે. 5 મિલિયન એકર પાણીનો પ્રથમવાર ગુજરાતની ધરતી પર સંગ્રહ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં સુજલામ સુફલામ યોજના સાથે 450 તળાવને જોડવામાં આવ્યા છે. આ યોજનામાં સૌરાષ્ટ્ર અને કચ્છના ડેમ પણ પાણીથી ભરી દેવામાં આવ્યા છે.

આ પ્રસંગે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર જણાવ્યુ હતું કે ખેડૂતો પોતાની ખેતીને વધારે સારી બનાવી શકે, ઉત્પાદન વધારી શકે, ભારતીય કૃષિ પદ્ધતિની દિશામાં જઈ શકે તે ઉદ્દેશથી આ કાર્યક્રમ ઉપયોગી થાય છે. કૃષિ ક્ષેત્રમાં ગુજરાતે જે પ્રગતિ કરી છે તેના માટે રાજ્ય સરકાર અને ખેડૂતો અભિનંદનને પાત્ર છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરદાર પેટેલે કહ્યું હતું કે ખેતી જ આપણી સંસ્કૃતિ છે. જો એ સમયે જ સરકારે આ વાત ઉપર કાર્યવાહી કરી હોત તો આપણે આટલી મહેનત કરવી પડત નહિં. ખેડૂતોની આવક વધારવા માટે દૂધ ઉત્પાદન, મધ ઉત્પાદન અને બાગાયતી ખેતી પર વધારે ધ્યાન આપવું પડશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતો સાથે વાર્તાલાપ કરવો પડશે.

તોમરે કહ્યું કે, સવાલ પૈસા અને મૂડી નથી પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારના મનમાં ખેડૂતો માટે સન્માન હશે તો ખેડૂતો આગળ વધશે જ અને એટલે જ કિસાન નિધિ યોજના અમલી બનાવી છે. 2009-14 વચ્ચે 87 હજાર કરોડ રૂપિયા કૃષિ બજેટ હતું જ્યારે 2014-19 વચ્ચે 1 લાખ 64 હજાર કરોડ રૂપિયા કૃષિ બજેટ ફાળવાયું છે.

(9:44 pm IST)