Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

રાજ્યનો ખેડુત ત્રણ ત્રણ પાક લઈ સમૃદ્ધિની દિશામાં વધ્યો

એશિયા ટેક પ્રદર્શનનો વિધિવત રીતે પ્રારંભ : ધરતીપુત્રો માઈન્ડ સેટ બદલીને ડ્રીપ ઈરીગેશન પદ્ધિતિથી ખેતી દ્વારા ઉપર ડ્રોપ મોર ક્રોપ સાકાર કરે : વિજય રૂપાણી

અમદાવાદ,તા.૬ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો ધરતીપુત્રોને ખેતી પ્રત્યેનો માઇન્ડ સેટ બદલી ડ્રિપ ઇરીગેશન પધ્ધતિથી 'પર ડ્રોપ મોર ડ્રોપ'થી ખેતી સમૃદ્ધિ માટે પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર ડ્રીપ ઇરીગેશન – ટપક સિંચાઇ માટે ૭૦ ટકા જેટલી સબસિડી આપે છે ત્યારે ઓછા પાણીએ વિપૂલ પાક ઉત્પાદન મેળવવા ખેડૂતો સાથે મળીને સહકારી ખેતી ટપક સિંચાઇનો વિનિયોગ કરે તે સમયની માંગ છે. મુખ્યમંત્રીએ કેન્દ્રીય કૃષિ કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે ૯મા એગ્રી એશિયા એકઝીબિશનનો પ્રારંભ કરાવ્યો હતો. કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, પશુપાલન રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ, સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ વગેરે આ અવસરે જોડાયા હતા. વિજય રૂપાણીએ કહ્યું કે, આ પ્રદર્શનીના માધ્યમથી કૃષિ અને સંલગ્ન સેવાઓની એક આખી વેલ્યુચેઇન ઊભી થઇ છે. તેમણે ગુજરાતે અનેક કૃષિ ઉત્પાદનમાં દેશમાં અગ્રેસરતા દાખવી છે તેનો ઉલ્લેખ કરતાં કિસાન શકિતને એકસપોર્ટ ઓરિએન્ટેડ વિશ્વના બજારોની જરૂરિયાતોને અનુરૂપ ફળફળાદિ-શાકભાજી જેવા પાક ઉત્પાદન માટે પ્રેરણા આપી હતી.

        તેમણે આ અંગેના ઉદાહરણો આપતાં જણાવ્યું કે, બનાસકાંઠામાં દાડમ, કચ્છમાં ખારેક અને આદિજાતિ વિસ્તારોમાં કાજુના ઉત્પાદનથી આ વિસ્તારના કિસાનો સમૃદ્ધ થયા છે. મુખ્યમંત્રીએ આવા એકસપોર્ટ ઓરિએન્ટેડ ઉત્પાદનોથી ખેડૂતને રૂપિયાને બદલે ડોલર કમાતો કરવાની અને વિકાસની હરણફાળની દિશામાં તેને લઇ જવાની મનસા વ્યકત કરી હતી. વિજય રૂપાણીએ કૃષિ સંસ્કૃતિને ઋષિ સંસ્કૃતિ ગણાવતાં જીવ થી શિવ અને વ્યકિત થી સમષ્ટિના વિચારને કેન્દ્રમાં રાખીને જૈવિક ખેતી, ઝીરો બજેટ ફામલ્લગ, ઓર્ગેનિક ખેતીના સમન્વય દ્વારા પાક ઉત્પાદન વધારવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ખેડૂતોના બાવડામાં બળ પુરવાની નેમ અને ર૦રર સુધીમાં કિસાનોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂત-ગામડાંને ધ્યાને રાખીને કર્તવ્યરત છે. મુખ્યમંત્રીએ ધરતીપુત્રોને સમયસર સારૂ બિયારણ, પાણી, વિજળી અને સારા ખેત ઓઝારોથી સજ્જ કરી હરિતક્રાંતિ માટે પ્રેરિત કરવાના પગલાંઓની પણ છણાવટ કરી હતી. વિજય રૂપાણીએ નર્મદા ડેમનું પાણી છેક કચ્છના ટપ્પર ડેમ સહિત સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં પહોચાડીને કિસાનોને ત્રણ-ત્રણ પાક લેતા કર્યા છે તેનો આનંદ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ સૌની યોજના, સુજલામ સુફલામ યોજના, જળસંચય અભિયાન જેવા કિસાન હિતકારી કાર્યક્રમોથી હર હાથ કો કામ, હર ખેત કો પાની ની નેમ સાકાર કરી નવા વિચારો નવા ઉત્સાહથી પ્રેરિત ખેતીની દિશા અપનાવવા પણ કિસાન શકિતને અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ ખેડૂતોને લંગડી વિજળીમાંથી મુકિત આપી જ્યોતિગ્રામ યોજના અને હવે સૂર્ય ઊર્જાથી પોતાના ખેતરમાં સૌર વીજળી પેદા કરી શકે તેવો ઊર્જાવાન કિસાન સરકારે બનાવ્યો છે તેમ ઉમેર્યુ હતું. તેમણે ૯ હજાર કરોડથી વધુની કિંમતના પાકોની ટેકાના ભાવે ખરીદી સરકારે કરી છે તેની વિગતો આપતાં જણાવ્યું કે આ વર્ષે પણ સરકાર ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોની મહેનત એળે નહિં જવા દેવાય.

(8:28 pm IST)