Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ભરૂચના ચાવજ નજીકના રેલ્વે ટ્રેક ઉપર ૭ ફુટનો મગર આવી ચડ્યોઃ ડ્રાઇવરની સમય સુચકતાથી જીવ બચી ગયો

ભરૂચઃ નર્મદા નદીમાં પાણી આવવાના કારણે વિશાળકાય મગર બહાર નિકળીને રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે. આવો જ એક મગર નર્મદાના પાણીમાંથી બહાર નિકળીને રેલવે ટ્રેક પર આવી ચડ્યો હતો. ભરૂચમાં રેલવે ટ્રેક પરથી 7 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરાયું હતું.

ભરૂચ શહેરના ચાવજ નજીક રેલવે ટ્રેક પર એક 7 ફૂટ લાંબો મગર આવી પહોંચ્યો હતો. આ રેલવે ટ્રેક પર જ્યારે ટ્રેન જઈ રહી હતી ત્યારે રાતના અંધકારમાં પણ ડ્રાઈવરને રેલવે ટ્રેક પર મગરને જોઈને ટ્રેન રોકી દીધી હતી. આટલો મોટો મગર જોઈને ડ્રાઈવરે વન વિભાગના અધિકારીઓને જાણ કરી હતી.

કોલ મળતાંની સાથે જ વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. તેઓ પણ રેલવે ટ્રેક પર આટલો વિશાળકાય મગર જોઈને ચોંકી ગયા હતા. 7 ફૂટ લાંબા આ વિશાળકાય મગરનું વજન 130 કિલો હતું. વન વિભાગના કર્મચારીઓએ મગરને પકડીને સુરક્ષિત જગ્યાએ છોડી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, વડોદરાની વિશ્વામિત્રી નદી મગરોની નદી તરીકે ઓળખાય છે. નર્મદા નદીમાં પણ અનેક સ્થળે મગર જોવા મળે છે. તાજેતરમાં જ વડોદરામાં આવેલા પૂર દરમિયાન સમગ્ર શહેરમાં વિશાળકાય મગર તરતા જોવા મળ્યા હતા.

(5:34 pm IST)