Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

અમદાવાદમાં હવે ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલિમ કેમ્પ થશે

પ્રાદેશિક ઇન્ટરવ્યુ માર્ગદર્શન પુરુ પાડવામાં આવશેઃ શિક્ષિત બેરોજગાર યુવક અને યુવતીઓ માટે ઉમદા તકો ત્રણ દિવસીય તાલિમ શિબિર નવેમ્બર મહિનામાં યોજાશે

અમદાવાદ,તા.૭: રાજ્યના શિક્ષિત બેરોજગાર યુવક-યુવતિઓ માટે ત્રણ દિવસની પ્રાદેશિક ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિરનું આગામી તા.૦૫.૧૧.૧૮ થી તા.૧૭.૧૧.૧૮ દરમિયાન આયોજન કરાયું છે.  કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા યોજાનાર આ શિબિરમાં ભાગ લેવા માંગતા ૨૦ થી ૪૦ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓએ નીચે જણાવેલ વિગતે સ્વહસ્તાક્ષર વાળી અરજી તા.૬.૧૦.૨૦૧૮ સુધીમાં સંબંધિત જિલ્લા રમતગમત અધિકારીને સીધેસીધી મોકલવાની રહેશે. રસ ધરાવતા યુવક-યુવતીઓએ પોતાનું નામ અને સરનામું, ફોન નંબર, જન્મ તારીખ (પ્રમાણપત્ર સાથે),  ઉંમર (વર્ષ-માસ-દિવસ), શૈક્ષણિક લાયકાત (પૂરાવા સાથે), વિશેષ લાયકાત, નોકરી-ધંધાને લગતી પસંદગીનો પ્રકાર, રોજગાર વિનિમય કચેરીનો નોંધણી નંબર-તારીખ, પાસપોર્ટ સાઇઝનો તાજેતરમાં પડાવેલ ફોટો, અને આધારકાર્ડ નંબર- ઝેરોક્ષ નકલ સાથે અરજી કરવાની રહેશે. અગાઉની શિબિરમાં જેમણે ભાગ લીધો હોય તેમણે અરજી કરવી નહી. નિયત સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ વિચારણામાં લેવાશે નહી. માત્ર પસંદ થયેલ વ્યક્તિઓને જે તે સમયે જાણ કરવામાં આવશે, તેમ યુથબોર્ડ અધિકારી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. ત્રણ ઝોનમાં યોજાનાર આ શિબિર અંતર્ગત અમદાવાદ ખાતે યોજાનાર શિબિરમાં કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના યુવક-યુવતીઓએ જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા પંચાયત ભવન સામે, શિવશક્તિ બિલ્ડીંગ,પાલનપુર, જિ.બનાસકાંઠા, ફોન નંબરઃ (૦૨૭૪૨) ૨૫૩૮૩૦ મોબાઇલ નંબરઃ ૯૭૩૭૧૬૫૫૪૪નો સંપર્ક કરવો. વડોદરા  ખાતે યોજાનાર શિબિરમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરુચ, નર્મદા, ડાંગ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાના યુવક-યુવતીઓએ જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા સેવા સદન-૧, પાંચમો માળ, જિ.વલસાડ, ફોન નંબર ઃ (૦૨૬૩૨)૨૪૮૦૮૩, મોબાઇલ નંબર ઃ ૯૪૨૯૦૮૭૭૧૫નો સંપર્ક કરવા જણાવાયું છે. બેરોજગારીની સમસ્યા દૂર થઇ શકે તેવા પ્રયાસ શરૂ થયા છે.

(9:55 pm IST)